Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

માત્ર ૧૩ ખાતાઓની રૂ. ૪,૪૬,૮૦૦ કરોડની લોન રૂ. ૧,૬૧,૮૨૦ કરોડમાં સેટલ કરી વિવિધ બેંકોએ રૂ. ૨,૮૪,૯૮૦ કરોડની ખોટ સામેથી વ્હોરી લીધી

સરકાર - કોર્પોરેટ જગત - રાજકીય નેતાઓની સાંઠગાંઠથી બેંકોની આર્થિક સ્થિતિ નબળી પડી : યુનિયન : બેંકોનું ખાનગીકરણ અટકાવો : બેડ લોન - એનપીએની વસુલાત કરી બેંકોને બુચ મારનારાઓની સામે કાનૂની પગલા લ્યો : એઆઇબીઇએ

રાજકોટ તા.૩૦ : ઓલ ઈન્ડીયા બેંક એમ્પ્લોઈઝ એસોસીએશન (એઆઈબીઈએ) દ્વારા બેંકોના ખાનગીકરણની શરૂ કરવામાં આવેલી પ્રક્રિયાનો તીખા શબ્દોમાં વિરોધ કર્યો છે એટલું જ નહી જાહેરક્ષેત્રની બંેકોએ ઉદ્યોગ જગતના માંધાતાઓની કરોડો રૂપિયાની લોન માંડવાળ કરી અથવા તો મનસ્વીપણે સેટલમેન્ટ કરી બેંકોને કરોડો રૂપિયામાં નવડાવી દેવાના ખેલનો પણ આકરા શબ્દોમાં વિરોધ કર્યો છે.

ઓલ ઈન્ડીયા બેક એમ્પ્લોઈઝ એસોસીએશનની એક પાંખ ગણાંતા ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે પી અંતાણીએ જણાવ્યુ છે કે કેન્દ્ર સરકાર અને ઉદ્યોગ જગતની મીલીભગતનો ભોગ જાહેરક્ષેત્રની બેંકો બની રહી છે અને બેંકની આર્થિક સ્થિતિ નબળી પાડવામાં આવી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યુ છે કે સરકાર, ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓની સાંઠગાંઠના કારણે જાહેરક્ષેત્રની વિવિધ બેંકોના માત્ર ૧૩ ખાતાઓના રૂ.૪,૪૬,૮૦૦ કરોડની લોનનું મનસ્વી રીતે રૂમ.૧,૬૧,૮૨૦ કરોડમાં સેટલમેન્ટ કરવામાં આવ્યુ છે અને બેંકોને રૂ.૨,૮૪,૯૮૦ કરોડના ખોટના ખાડામાં ઉતારવામાં આવી છે.

તેઓએ વધુમાં જણાવ્યુ છે કે સરકાર આ રીતે લોકોના નાણાં લોકોના કલ્યાણ માટે વાપરવાને બદલે મોટા કોર્પોરેટ ગૃહોની પાછળ ખર્ચવામાં આવી રહયાં છે જેનો બેંક યુનિયન વિરોધ કરે છે. તેઓએ દાખલો આપતા જણાવ્યુ છે કે એસ્સારની ૫૪ હજાર કરોડની લોન ૪ર હજાર કરોડમાં સેટલ કરવામાં આવી છે. જયારે ભૂષણ સ્ટીલની ૫૭ હજાર કરોડની લોન ૩૫ હજાર કરોડમાં, ડીએચએફએલની રૂ.૯૧ હજાર કરોડની લોન માત્ર રૂ.૩૭ હજાર કરોડમાં સેટલ કરવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યુ છે કે આ ઉપરાંત ઈલેકટ્રો સ્ટીલ, મોનેટ ઈસ્પાત, એમટેક, આલોક ઈન્ડ, લેન્કો ઈન્ફા, વિડિયોકોન, એબીસી શીપયાર્ડ, શિવાશંકરણ ઈન્ડની લોન માત્ર ૩૨૦ કરોડમાં માંડવાળ કરવામાં આવી છે અથવા તો તેનું સેટલમેન્ટ કરવામાં આવ્યુ છે. આ રીતે સરકાર અને ઉદ્યોગ જગતની સાંઠગાંઠનો ભોગ બેંકો બની છે અને બેંકોનું આના પરિણામે સરવૈયુ હલબલી ઉઠયું છે.

એઆઈબીઈએએ બેંકોને જે રૂ.૨,૮૪,૯૮૦ કરોડનું નુકસાન થયુ છે તેને 'હેરકટ' એવું નામ આપ્યું છે અને આવી રીતો અપનાવવાના બદલે બેંકો પાસેથી લોન લઈ બેંકોના નાણાં નહી ચુકવનાર સામે કાનૂની પગલા લેવા જોઈએ તેવી પણ માંગણી કરી છે. બેડલોનની વસુલાત, એનપીએની વસુલાતને સરકારે અને બેંકોએ પ્રાધાન્ય આપવું જોઈએ તેવી પણ માંગણી યુનિયને કરી છે.

(2:57 pm IST)