Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

વધુ પડતી કસરતથી થતા હાર્ટએટેકથી બચાવશે 'પીટ્રેડેકસ': આઈઆઈટી ગાંધીનગરની શોધ

એઆઈ-વર્ચ્યુલ રીયાલીટી આધારીત ટ્રેડમીલ કર્યુ વિકસીતઃ ભારતીય પેટન્ટ મેળવવા અરજી

ગાંધીનગર, તા. ૩૦ :. કોરોના મહામારી પછી લોકોની કસરત, યોગ, પ્રાણાયામનું મહત્વ સમજાય ગયુ છે. આ વચ્ચે કેટલાક લોકો પોતાની શારીરિક ક્ષમતાથી વધુ કસરત કરી રહ્યા છે. આમ કરવાથી હાર્ટએટેકનું જોખમ વધી જાય છે. જેને લઈને ઘણા કિસ્સાઓમાં મૃત્યુ પણ થઈ રહ્યા છે. વિતેલા સમયમાં ટીવી સ્ટાર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા જાણીતા કલાકારોના આ કારણોસર હાર્ટએટેકથી મૃત્યુ થયાના કિસ્સા બન્યા છે ત્યારે ગાંધીનગર આઈઆઈટીના ઈલેકટ્રીક એન્જીનીયરીંગના મહિલા પ્રોફેસર ઉત્તમા લાહીરી અને તેમની ટીમએ પીટ્રેડેકસ નામનું એક એવુ ટ્રેડમીલ વ્યાયામ પ્લેટફોર્મ વિકસાવ્યુ છે જે વધુ પડતી કસરતથી આવતા હાર્ટએટેકને અટકાવશે. શોધકર્તા ટીમે આ ટ્રેડમીલ માટે પેટન્ટની અરજી પણ કરી છે.

આ ઉપકરણ એવા લોકો માટે ખૂબ ઉપયોગી બનશે જે ટ્રેડમીલ ઉપર કસરત કરે છે કે હાલવાચાલવાથી જોડાયેલા રોગગ્રસ્ત છે. શોધકર્તાઓએ આ ઈનોવેશનમાં વર્ચ્યુલ રીયાલીટી આર્ટીફીશીયલ ઈન્ટેલીજેન્સ (એઆઈ) અને કાર્ડીયાક સેન્સેટીવ ટેકનીકનો મહત્વપૂર્ણ સમન્વય સાધ્યો છે. સંશોધિત ટ્રેડમીલ પ્લેટફોર્મ ઉપયોગકર્તાઓને તેમની શારીરિક ક્ષમતાથી વધુ કે ઓછી કસરત કરતા અટકાવે છે. કસરત દરમિયાન વ્યકિત ઉપર અકારણ તણાવ નથી પડતો જેને લઈને હાર્ટએટેકથી બચી શકાય છે. આ શોધ આઈઆઈટી ગાંધીનગરના પૂર્વ પીએચડી વિદ્યાર્થી ધવલ સોલંકીની પીએચડી શોધનો ભાગ છે. આઈઆઈટી ગાંધીનગરના ડીઝાઈન એન્ડ ઈનોવેશન સેન્ટરના સહાયક પ્રોફેસર માન્સી કનેતકર, ઔદ્યોગિક ડીઝાઈનર નિરવકુમાર પટેલ અને જૂનીયર રીસર્ચ ફેલો આનંદ ચૌહાણ પણ આ સંશોધનમાં જોડાયેલા છે.

'પીટ્રેડેકસ' સ્વાસ્થ્ય સંબંધી જાગૃત ટ્રેડમીલ ઉપયોગકર્તાઓ અને ચાલવા સંબંધી તકલીફોથી પરેશાન લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. અમારૂ લક્ષ્ય સ્વાસ્થ્ય માટે જાગૃતિ અને કસરત માટે ઉત્સાહીત કરવા સાથે ચાલવાની જરૂરીયાતવાળા રોગીઓના જીવનમાં હકારાત્મક બદલાવ લાવવાનો છે તેમ પ્રોફેસર ઉત્તમા લાહીરીએ જણાવ્યુ હતું.

(1:01 pm IST)