Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

છેલ્લા ૫ વર્ષથી સાઉથ ગુજરાતમાં તમામ પ્રકારની ગુન્‍હાખોરીમાં ધરખમ ઘટાડો

ઘડિયાળના કાંટા ઉલ્‍ટા ફર્યા, ઘડીકમાં ગળે નહિ ઉતરે પણ પૂરાવા બોલે છે : જબરજસ્‍ત હોલ્‍ટને કારણે સુરત રેન્‍જ વડા ભારે શુકનિયાળ પૂરવાર થયા

રાજકોટ, તા. ૩૦ : જ્‍યાં ફરજ બજાવવી ત્‍યાં ગુન્‍હેગારો અને પોતાની જાતને કાયદાથી પર સમજતા કહેવાતા પાંચમાં પૂછાતા લોકો કે આવા પ્રકારના લોકોને કાયદો શું છે ? તેનુ ભાન કરાવવા માટે પ્રથમથી જ જાણીતા સિનિયર આઈપીએસ અને એડીશ્‍નલ ડીજીપી કક્ષાના સુરત રેન્‍જ આઈજી સાઉથ ગુજરાત માટે જાણે ખૂબ શુકનિયાળ પૂરવાર થયાં હોય તેમ એક અનોખી ઘટના બની છે. છેલ્લા પાંચ વર્ષમાં ગંભીર પ્રકારના ગુન્‍હાઓથી માંડીને સામાન્‍ય પ્રકારનાં ગુન્‍હાઓમાં ધરખમ ઘટાડો થયો છે. ઘડીકમાં વિશ્વાસ નહિ બેસે પણ ‘ગજબ છતા ગબ્‍બરો' નહિ આ બાબતમાં કોઈ અતિશ્‍યોક્‍તિ નથી. એના આ આંકડાકિય પૂરાવા આ છે એનુ અવલોકન કરતા જ સ્‍પષ્‍ટ થશે કે આ બાબતમાં જરા પણ અતિશ્‍યોકિત નથી.
સહુ પ્રથમ હત્‍યાના બનાવો પર નજર નાખીએ તો ૨૦૧૬માં રેન્‍જની વાત કરીએ તો ૧૨૧ ઘટના ઘટેલી જે ગત વર્ષ દરમિયાન ૫૩ ઘટના ઘટી હતી. જ્‍યારે હત્‍યાના પ્રયાસની ૨૦૧૬માં ૩૬ જ્‍યારે ચાલુ વર્ષના સપ્‍ટેમ્‍બર માસ દરમિયાન ૨૧ ઘટના ઘટેલી, જ્‍યારે લૂંટની ૨૯ ઘટના સામે કરન્‍ટ વર્ષ દરમિયાન ૧૦ ગુન્‍હા રજીસ્‍ટ્રર થયેલ.
તમામ પ્રકારની ચોરીઓ કે જેમાં ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવુ પડે તે પ્રકારની અનુક્રમે ૨૦ અને ૨૧ હતી જે સામે ૫ વર્ષમાં વધારો થવાના બદલે અનુક્રમે ૨૭ અને પાંચ ફરીયાદો થઈ હતી.
હવે મિલ્‍કત વિરોધી લોકોને સ્‍પર્શતા ગુન્‍હા પર દ્રષ્‍ટિપાત કરીએ તો ૨૦૧૬માં ૪૪૫ સામે પાંચ વર્ષમાં ધરખમ ઘટાડો થયો હોય તેમ ૭૨ ઘટના નોંધાઈ છે. હવે નાની મોટી તમામ પ્રકારની ચોરીઓ પર દ્રષ્‍ટિપાત કરીએ તો ૨૦૧૬માં ૮૬૮ જ્‍યારે રાજકુમાર પાન્‍ડિયનની જબરજસ્‍ત પક્કડની અસર હોય તેમ પાંચ વર્ષ બાદ ૨૨૬ ઘટના જ નોંધાઈ છે.
જ્‍યારે ઈજાના ગુન્‍હા ૨૦૧૬માં રેન્‍જમાં ૪૨૮ સામે પાંચ વર્ષ બાદ પચાસ ટકાથી વધારે ઘટાડો થયો હોય તેમ ૨૦૪ બનાવ જ બન્‍યા છે. આની સામે અપહૃત ઘટના ૨૦૧૬માં ૨૦૨ સામે ચાલુ વર્ષમાં ૫૩ ઘટના જ્‍યારે ૨૦૧૬માં ૨૨૦૦ સામે ૬૬૬ ઘટના નોંધાયેલ છે.
જ્‍યારે વિવિધ પ્રકારની ચોરીઓમાં વાહન ચોરી ૪૬૩ સામે ફકત ૭૬, કોમી તોફાન ૮૯ સામે ૫૭, ગેરકાયદે પ્રવેશની ૨૦ ઘટના સામે પાંચ વર્ષમાં ઘટાડો થઈ ૧૫, જ્‍યારે ઈજાઓ જેવા ગુન્‍હાઓમા ૪૨૮ સામે પાંચ વર્ષ બાદ ૨૪૬, બળાત્‍કારની ૬૯ ઘટના સામે ૮૯ ઘટના, અપહરણના ૨૦૨ સામે ૬૨ બનાવ, જ્‍યારે અન્‍ય પ્રકારના ૨૭૪૦ સામે પાંચ વર્ષ બાદ ૧૦૮૧ કુલ ૫૧૬૪ સામે પાંચ વર્ષ બાદ ૧૯૫૮ ઘટના નોંધાઈ છે. આમ સુપરવિઝન ખૂબ ચૂસ્‍ત હોય અને કડકાઈવાળુ હોય તો શું ફેર પડે તે આંકડા બોલે છે. આ જ અધિકારી દ્વારા ગરીબ મજુરો માટે બિલ્‍ડરને સમજાવી મોટી રકમ, ઈન્‍સ્‍યુરન્‍સ વ્‍યવસ્‍થા કરેલ જ્‍યારે હીટ એન્‍ડ રનની ઘટના સમયે સરકારી સહાય સાથે પોતાના તરફથી ૫૦ હજારથી માંડી અન્‍ય અધિકારી પાસે ફાળો કરાવી ખૂબ મોટી રકમ આપી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડેલ.

 

(10:21 am IST)