Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

બોપલ હાઇપ્રોફાઇલ ડ્રગ્સ કાંડ:આરોપી દ્વારા રમાડા હોટલમાં 7 જેટલી ડ્રગ્સ પાર્ટીઓ યોજાયાનો ખુલાસો

અન્ય ડ્રગ્સ પેડલરો દ્વારા પણ રમાડા હોટલમાં ડ્રગ્સ પાર્ટીઓ યોજાઈ : 5 પેડલરો અમદાવાદના છે અન્ય 2 પેડલરો વાપી અને દમણ બાજુના:હાલ તમામ પેડલરો ભૂગર્ભમાં ઉતરી ગયા:અમદાવાદ ગ્રામ્ય પોલીસે રમાડા હોટલનો એક વર્ષનો ડેટા મંગાવ્યો

અમદાવાદના બોપલમાંથી ઝડપાયેલા હાઈપ્રોફાઈલ અમેરિકન ડ્રગ્સ કાંડને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે. ડ્રગ્સ કાંડનો આરોપી વંદિત પટેલ રમાડા હોટલમાં સાત જેટલી ડ્રગ્સ પાર્ટીઓ યોજવામાં આવી હોવાની એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે. અન્ય ડ્રગ્સ પેડલરો દ્વારા પણ રમાડા હોટલમાં ડ્રગ્સ પાર્ટીઓ યોજવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. જેમાં 05 પેડલરો અમદાવાદના છે અન્ય 02 પેડલરો સાઉથ ગુજરાત એટલે કે વાપી અને દમણ બાજુના છે. હાલ તમામ પેડલરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે પરંતુ આ તમામ પેડલરો ગ્રામ્ય પોલીસની રડારમાં છે. આવનારા નજીકના સમયમાં ગ્રામ્ય પોલીસની એક ટીમ ચેન્નાઇ પણ તપાસ માટે જવાની છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સમગ્ર કેસમાં કોઈ જ કચાસ ના રહી જાય તે માટે થઈને કુલ ચાર ટીમો બનાવવામાં આવી છે. જેમાં 03 જેટલાં PSI કક્ષાના અધિકારીઓ સમગ્ર કેસ હેન્ડલ કરશે. NDPS નો કેસ હોવાથી ગ્રામ્ય પોલીસે અનુભવી રાઈટરની ટીમ પણ કેસના કાગળો તૈયાર કરવામાં માટે રાખી છે.

(8:42 pm IST)