Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

મહેસાણાના પરા વિસ્તારમાંથી ખોટી આઇડીના આધારે સીમકાર્ડ ખરીદી વેચાણ કરનાર બે આરોપીને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા

મહેસાણા: શહેરના પરા વિસ્તારમાં આવેલ મોબાઈલની દુકાનમાં ગ્રાહકોના ડોક્યુમેન્ટ અને ફોટા આધારે અન્ય સીમકાર્ડ એક્ટીવ કરી વેચાણ કરતા ત્રણ પૈકી બે આરોપીની એસઓજીએ અટકાયત કરી હતી. જ્યારે ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. 

મહેસાણા એસઓજીને મળેલ બાતમી આધારે શહેરના પરા વિસ્તારમાં આવેલ એક મોબાઈલની દુકાનમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં દુકાનમાં સીમકાર્ડ મેળવવા આવેલ ગ્રાહકોના આધાર-પુરાવા તથા ફોટાઓ પાડેલ તે સાચા આધાર પુરાવાનો ખોટા પુરાવા તરીકે ઉપયોગ કરી બીજી અન્ય સીમકાર્ડ મેળવી જે સીમકાર્ડ અન્ય ગ્રાહકોને કોઈપણ જાતના આધાર પુરાવા મેળવ્યા વિના સીમકાર્ડ વેચાણ કરવામાં આવતા હતા. એસઓજીને મળેલ હકીકત આધારે દુકાનમાં રેડ કરી દુકાનમાંથી એક્ટીવ કરેલ ૨૧ સીમકાર્ડ સાથે મહેસાણાની ઊંડી ફળીમાં રહેતા અલ્પેશ મંગળભાઈ પ્રજાપતિ, શહેરના ટી.બી.રોડ પર આવેલ આકેશ્વરી ફ્લેટમાં રહેતા ઉમંગ વિપુલભાઈ પંચાલની અટકાયત કરાઈ હતી. જ્યારે મુળ સિદ્ધપુરનો અને હાલમાં વસાઈ (ડાભલા) ખાતે રહેતો રિન્કેશ અશોકપુરી ગોસ્વામી ફરાર થઈ જતા તેને ઝડપી લેવા એસઓજીની ટીમ કાર્યવાહી હાથ ધરી હતી.

(5:23 pm IST)