Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે અમદાવાદમાં બે ફ્લાય ઓવરનો ઇ લોકાર્પણ

મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે :સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. ૩૫ કરોડ – સાણંદ જંકસન ફ્લાય ઓવર રૂ. ૩૬ કરોડનું ઇ લોકાર્પણ થશે

અમદાવાદ :કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ  શાહ ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ. ૭૧ કરોડના બે ફ્લાય ઓવરનું ૩૦મી નવેમ્બર સોમવારે સવારે ૧૦-૩૦ કલાકે ઇ-લોકાર્પણ કરશે.
મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ આ અવસરે ઉપસ્થિત રહેશે.

નેશનલ હાઇવે ૧૪૭ પર સરખેજ – ગાંધીનગર – ચિલોડા ના કુલ ૪૪ કિ.મી.ના માર્ગને ૪ લેન માંથી ૬ લેનમા રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
તદનુસાર ૨૪૫ મીટરની કુલ લંબાઈ નો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે તેમજ સાણંદ જંકસન ફ્લાય ઓવર બ્રિજ પણ ૨૪૦ મીટરની કુલ લંબાઇ સાથે રૂ. ૩૬ કરોડના ખર્ચે પૂર્ણ થયો છે.આ બંને ફ્લાય ઓવરના લોકાર્પણ આવતી કાલે સોમવારે સવારે ૧૦-૩૦ કલાકે સિંધુભવન ચાર રસ્તા પાસે યોજાશે.આ  પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ , ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા,  સાસંદઓ, ધારાસભ્યઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

 

(6:35 pm IST)