Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

સુરતના કરોડપતિ બિલ્ડરે મલેશિયામાં યોજાયેલી વિશ્વની સૌથી અઘરી ગણાતી આયર્નમેન રેસ જીતી

સુરતના વ્યવસાયે બિલ્ડર રહેલા મહેશભાઈએ છેલ્લાં બે વર્ષમાં બંને વખત દુનિયાની સૌથી અઘરી મનાતી ટ્રાઇથ્લોન સ્પર્ધા જીતી છે ૨૬મી ઑક્ટોબર, ૨૦૧૯ના રોજ મલેશિયાના લંકાવી આઈલેન્ડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ભાગ લેનાર મહેશભાઈ એકમાત્ર ગુજરાતી સ્પર્ધક હતા. 'આયર્નમેન ટ્રાઇથ્લોન' તરીકે ઓળખાતી આ સ્પર્ધા સ્વિમિંગ, સાઇક્લિંગ અને રનિંગની સંયુક્ત રમત છે અને તેને સફળતાપૂર્વક પૂર્ણ કરનારને 'આયર્નમેન'નું બિરુદ અપાય છે.

 આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતી આ સ્પર્ધામાં સ્પર્ધકે ૨.૪ માઈલ (૩.૮૬ કિ.મી.) સ્વિમિંગ, ૧૧૨ માઈલ (૧૮૦.૨૫ કિ.મી.) સાઇક્લિંગ અને ૨૬.૨ માઈલ (૪૨.૨ કિ.મી.) રનિંગ કરવાનું હોય છે. આ બધું સ્પર્ધકે ૧૭ કલાકની નિયત સમયમર્યાદામાં, કોઈ પણ પ્રકારનો આરામ લીધા વિના પૂરું કરવાનું હોય છે.

અહીં ત્રણેય રમતનો અલગ અલગ કટ ઓફ ટાઇમ હોય છે. જેમ કે સ્વિમિંગ ૨.૨૦ કલાકમાં, સાઇક્લિંગ ૮ કલાકમાં અને રનિંગ ૬.૩૦ કલાકમાં પૂરું કરવાનું હોય છે. એકવાર સ્પર્ધા ચાલુ થઈ ગયા પછી વચ્ચે આરામ મળતો નથી, સાઇકલમાં પંક્ચર પડે અથવા અન્ય કોઈ પણ પ્રકારની મેડિકલ જરૃરિયાત ઊભી થાય તો તે માટેનો સમય પણ બાદ મળતો નથી. ટૂંકમાં, સ્વિમિંગ, સાઇક્લિંગ અને રનિંગ એમ બધું મળીને સ્પર્ધકે ૧૪૦.૬ માઈલનું અંતર ૧૭ કલાકમાં કાપવાનું. હવે સમજાયું શા માટે તેને 'આયર્નમેન' તરીકે ઓળખવામાં આવે છે? જે લોકો આટલી અઘરી સ્પર્ધામાં ભાગ ન લઈ શકતા હોય તેમના માટે વળી તેનાથી અડધા અંતરની 'આયર્નમેન ૭૦.૩' સ્પર્ધા યોજાય છે. જેમાં સ્પર્ધકે ત્રણેય ફોર્મેટમાં મુખ્ય સ્પર્ધા કરતાં અડધું અંતર કાપવાનું હોય છે.

(7:11 pm IST)