Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ડુંગળી ઉપરાંત લીલી હળદર, લસણ અને ટોઠાના ભાવ પણ આસમાને

લસણનો નવો સ્ટોક માર્ચ સુધીમાં આવે તેવી શકયતા

અમદાવાદ તા. ૩૦: શિયાળાની ઠંડકમાં આરોગ્યપ્રદ ગણાતી લીલી હળદર અને તુવેરના ટોઠાની બોલબાલા વધી જાય છે. લીલી હળદર અને ટોઠાનું શાક અમદાવાદીઓને પ્રિય છે. પરંતુ આ વર્ષે અમદાવાદીઓએ લીલી હળદરના શાકના રૂ. પ૦૦ થી ૮૦૦ પ્રતિ કિલો અને ટોઠાના રૂ. ૪૦૦ પ્રતિ કિલો ચૂકવવા પડશે. ટોઠા બાજરીનો રોટલો અને હળદરના શાકની વાનગીની થાળી માટે રૂ. ર૦૦ હવે ચૂકવવા પડશે. જેના ગત વર્ષે ભાવ રૂ. ૧૦૦ થી ૧રપ હતો. ઉત્તર ગુજરાતની પ્રચલીત વાનગી તુવેરના ટોઠા શિયાળામાં ખાવાનો રિવાજ છે.

બીજી તરફ ડુંગળીના ભાવો આસમાને ગયા બાદ હવે લસણના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. શિયાળામાં લસણની માગ વધે છે. ત્યારે લસણ પ્રતિ કિલો રૂ. ર૦૦ થી ૪૦૦ થયો છે. લસણના ભાવમાં છેલ્લા ૧પ દિવસમાં રપ ટકાનો વધારો થયો છે.

જે લસણનો ભાવ રૂ. ૧ર૦ થી ૧૪૦ હતો. તે હવે બમણા અને ત્રણ ગણા થયા છે. સિઝન શરૂ થઇ હોવા છતાં લીલું લસણ માર્કેટમાં ગણી ગાઠી દુકાનોમાં જોવા મળે છે.

નવા લસણનો સ્ટોક હોળી આસપાસ માર્ચ મહિનામાં આવવાની શકયતા છે. તેથી હજુ બે થી ત્રણ મહિના લોકોએ લસણના વધુ ભાવ ૂકવવાની તૈયારી રાખી પડશે.

શિયાળામાં બેંગન ભરથા, ટોઠા જેવી અનેક વાનગીઓ માટે લસણનો વપરાશ વધે છે ત્યારે ડુંગળી, લસણ, લીલી હળદર અને ટોઠાના ભાવો આસમાને જતાં લોકોને શિયાળાની પ્રચલિત વાનગીઓ ખાવા માટે ખિસ્સાં વધુ હળવાં કરવાં પડશે. હાલમાં નવા લસણની મધ્યપ્રદેશથી ધીમી આવકો શરૂ થઇ છે. પરંતુ તેની ગુણવત્તા નબળી  હોવાથી ભાવમાં ખાસ ફરક પડયો નથી.

(4:05 pm IST)