Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પાટણના સિધ્ધપુર ચોકડી ઉપર ડમ્પરે બાઇકને ટક્કર મારતા અઢી વર્ષના બાળકનું મોત

પાટણ તા ૩૦  : શહેરના પારેવા સર્કલ વિસ્તારમાં રહેતા  કનુભાઇ નેમચંદભાઇ પટેલ, રહે. મુળ વાગડોદ તા. સરસ્વતીવાળા કિમ્બુવા ગામે મામેરાના પ્રસંગમાં જઇને પરત પાટણ આવ્યા હતા. ત્યારબાદ તેમના મોટાભાઇ પાટણ શહેરમાં આવેલી આયુષ ટાઉનશીપમાં રહેતા હોઇ કનુભાઇ નેમચંદભાઇ પટેલ તેમજ તેમની દીકરી વૃતિ, તેમની ભાભી આશાબેન પરેશભાઇ પટેલ અને અઢી વર્ષની ભત્રીજા જૈનીશને પોતાના મોટર સાયકલ ઉપર બેસાડીને આયુષ ટાઉનશીપમાં મુકવા માટે જઇ રહ્યા હતા, તે સમયે શહેરના સિદ્ધપુર ચાર રસ્તા પાસે માતેલા સાંઢની જેમ આવી રહેલા ડમ્પર ચાલકે પોતાનું ડંપર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી કનુભાઇ પટેલના બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇક પર સવાર કનુભાઇ પટેલ તેમની ભાભી આશાબેન પટેલ અને ભત્રીજી જૈનીષ અકસ્માત બાદ રોડ પર પટકાયા હતાં જેમાં જૈનીષને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પરજ તેનું કરૂણ મોત થયું હતું. જયારે કનુભાઇ પટેલ, તેમની દીકરી અને તેમની ભાભીને ગંભીર ઇજાઓ થતાં ઉપસ્થિત લોકોએ તેમને તાત્કાલીક હોસ્પિટલે ખસેડાયા હતા, જેમાં બાળકના કાકાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતબાદ ડંપર ચાલકની પોલીસે ધરપકડ કરી છે. અકસ્માતને કારણે માતાની નજર સામે જ તેના વ્હાલસોયાએ દમ તોડી દીધો હતો. અકસ્માત બાદ સિધ્ધપુર ચોકડી પર લોકોના ટોળે ટોળા એકત્રિત થઇ ગયા હતા અને અકસ્માતને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે આવી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો તેમજ રસ્તા પરનો ટ્રાફિક દુર કરી વાહન વ્યવહાર ફરી ચાલુ કરાવ્યો હતો.આ વિસ્તારમાં મંજુર થયેલ ઓવરબ્રિજની કામગીરી વહેલી શરૂ કરવા માંગ કરી છે.

(4:03 pm IST)