Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

સુરતમાં પોલીસે યુવકના ગુપ્તભાગે મરચાની ભૂકી અને પેટ્રોલ લગાવ્યાનો આક્ષેપ: ગર્લફ્રેન્ડના ઘરે ચોરીનો યુવક પર આરોપ

કોર્ટમાં રજૂ કરાયેલા યુવકે માર મરાયો હોવાનો આક્ષેપ કરતા તેને સિવિલમાં હોસ્પિટલમાં ખસેડવા આદેશ

સુરતઃ સુરતના ગોડાદરા ખાતે પોલીસ પર એક યુવકે આક્ષેપ કર્યો છે કે તેની ગર્લફ્રેન્ડના ઘરે થયેલી ચોરીના આરોપસર ડિંડોલી પોલીસે ગોડાદરાના યુવકને ઢોર માર મારી ગુપ્તભાગે મરચાની ભૂકી અને પેટ્રોલ નાંખી ટોર્ચર કર્યો છે. તેના પરિવારે પણ આ અંગે આક્ષેપો કર્યા છે. પોલીસે પુત્રને ગોંધી રાખ્યો હોવાની પરિવારની ફરિયાદ બાદ કોર્ટમાં રજૂ કરાયેલા યુવકે માર મરાયો હોવાનો આક્ષેપ કરતા તેને સારવાર માટે સિવિલમાં હોસ્પિટલમાં ખસેડવા આદેશ કરાયો હતો.

 મળતી વિગત મુજબ ગોડાદરા ખાતેની વંદના રેસિડેન્સીમાં રહેતા બોબી ક્રિષ્ણા યાદવ (ઉં.વ.21)ને  બપોરે કોર્ટના આદેશ બાદ સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં બોબી અને તેના પિતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બોબીની ગર્લફ્રેન્ડે પોતાના ઘરમાં રૂપિયા 1.50 લાખની ચોરી કરી હતી.

  પરિવારે પૂછતા તેણીએ ચોરી કરેલા રૂપિયા બોબીને આપ્યા હોવાનું કહેતા તેમણે બુધવારે ડિંડોલી પોલીસમાં ફરિયાદ કરી હતી, જેને પગલે પોલીસ બોબીને શોધવા લાગી હતી. જોકે બોબી ઘરે નહીં મળતા પોલીસ પાછી જતી રહી હતી. જોકે પરિવારે બોબીને પોલીસ આવી હોવાની જાણ કરતા, બોબી જાતે ડિંડોલી પોલીસ મથકે પહોંચી ગયો હતો. દરમિયાન પોલીસે તેને પકડી માર માર્યો હોવાનું પરિવારનું કહેવું છે.

  પરિવારનો આક્ષેપ છે કે, બોબીના પિતા તેને શોધવા પોલીસ મથકે પહોંચ્યા હતા તો તેમને પણ અપશબ્દો બોલી તગેડી મુકાયા હતા, જેને પગલે તેમને કોર્ટમાં ફરિયાદ કરતા પોલીસે બોબીની અટકાયત કરી હોવાનું બતાવી શુક્રવારે કોર્ટમાં રજૂ કરી દીધો હતો, ત્યારે બોબીએ કોર્ટ સમક્ષ આપવીતી કહેતા તેને સારવાર માટે સિવિલમાં મોકલવા આદેશ કરાયો હતો. મેડિકલ ઓફિસર ડો. સુમિત જાગાણીએ કહ્યું હતું કે, બોબીના શરીરે ઇજાના નિશાન દેખાયા છે. તેણે ગુપ્તભાગે મરચાની ભૂકી અને પેટ્રોલ નાંખ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

  જોકે આ અંગે ડિંડોલી પોલીસ કહે છે કે, બોબીએ પ્રેમસંબંધમાં યુવતી પાસેથી રૂપિયા 3.50 લાખ પડાવી લીધા હતા, જેને લઈ યુવતીના પિતાએ પોલીસમાં અરજી કરતા બોબી વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવાયા હતા, તેને માર માર્યો હોવાની વાત તદ્દન ખોટી છે. હવે સવાલ એ છે કે, જો પોલીસ સાચી છે તો યુવકના શરીર પર ઈજાના નિશાન ક્યાંથી આવ્યા. હાલ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

(1:50 pm IST)