Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ઊંઝામાં ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞના પ્રારંભ પૂર્વે વિશ્વભરના પાટીદારોમાં ભારે ઉત્સાહ

૫૦૦ એકરમાં મા ઉમિયાનગરનું નિર્માણ: ૧૦૮ યજ્ઞકુંડ સાથેની ૮૧ ફૂટ ઊંચી યજ્ઞશાળા : પરિક્રમા માર્ગ અને સ્ટેડિયમ સાથે પેવેલિયન સિટીંગનું નિર્માણ થશે

મહેસાણા : વિશ્વભરમાં વસતા કડવા પાટીદારોનાં કુળદેવી અને વિશ્વભરમાં ફેલાયેલા ભક્તોનું કલ્યાણ કરતાં જગતજનની મા ઉમિયાના ઊંઝા સ્થિત મંદિર અને પાટીદારો અંગે કહેવાય છે કે, ભગવાન શિવ પૃથ્વી પર મા ઉમા સાથે આવ્યા હતા અને મા ઉમાને સરસ્વતી નદીના કિનારે રાહ જોવાનું કહીંને શિવ રાક્ષસોનો સંહાર કરવા માટે નીકળી ગયા, સમય વહેતો રહ્યો અને શિવની રાહ જોતાં જોતાં મા ઉમાએ માટીનાં બાવન પુતળાં બનાવ્યાં, જેમાં શિવજીએ પ્રાણ ફૂક્યાં અને એ બાવન વ્યક્તિઓ કડવા પાટીદાર સમાજના બાવન શાખના મહાન પૂર્વજો તરીકે ઓળખાયા, ભગવાન શિવે આ સમયે અહીં ઉમાપુર નગરની સ્થાપના કરી, સમય જતાં તે ઊંઝાના નામથી પ્રસિદ્ધ થયું અને મા ઉમા મા ઉમિયા તરીકે કડવા પાટીદારોનાં કુળદેવી તરીકે સ્થાપિત થયાં. ઈ.સ. ૧૫૬માં રાજા વ્રજપાલજી દ્વારા ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણના અઢારસો વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે વર્ષ ૧૯૭૬માં એક ભવ્ય શહસ્ત્રચંડી મહાયજ્ઞ (૧૮મી શતાબ્દી મહોત્સવ)નું આયોજન કરાયું હતું. જેમાં એશિયાની સ્પાઈસ સિટી તરીકે ઓળખાતી ઊંઝાની પાવનભૂમિ વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠી, વિશ્વભરમાંથી આવેલા ૧૮ લાખથી વધુ ભક્તો મા ઉમિયાના ભકતિરંગથી તરબોળ થયા, દાતાઓના દાનથી લાખો રૂપિયાનું ભંડોળ એકઠું થયું, અને સર્વજન હિતાય સર્વજન સુખાયના મંત્ર સાથે અનેક શૈક્ષણિક, સામાજિક અને આરોગ્યલક્ષી સેવાકીય કાર્યક્રમો શરૂ થયા. ૨૮ નવેમ્બર ૨૦૦૯ થી ૨ ડિસેમ્બર ૨૦૦૯ દરમિયાન ફરી એકવાર ૧૮મી શતાબ્દી રજત જયંતિ મહોત્સવ ઉજવાયો. જેમાં ૫૧ ફુટબોલ સ્ટેડીયમ બની શકે એવા વિશાળ વિસ્તારમાં નિર્માણ કરાયું મા ઉમિયાનગરનું નિર્માણ કરાયું હતું. દુનિયાભરમાંથી આવેલા ૫૦ લાખથી વધુ ભક્તો મહોત્સવનો હિસ્સો બન્યા.હતા 

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન આસ્થાની અભિવ્યક્તિ અને લોકઉન્નતીના અવસર સમા લક્ષચંડી મહાયજ્ઞ-૨૦૧૯નું આયોજન કરાયું હોઈ, હવે ફરી એકવાર ઊંઝા વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠશે, જેના માટે આશરે ૫૦૦ એકરમાં મા ઉમિયાનગરનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં ૧૦૮ યજ્ઞકુંડ સાથેની ૮૧ ફૂટ ઊંચી યજ્ઞશાળા અને એક લાખ ચોરસ ફૂટથી વધુના ક્ષેત્રફળમાં ૩૫૦૦ માણસો પૂજાવિધિ માટે બેસી શકે તેવી વ્યવસ્થા હશે. પહેલી ડિસેમ્બરથી ૫૧૦૦ બહેનો દ્વારા જવારા મહોત્સવથી પ્રારંભ થશે ચંડીપાઠનો, ૧૬ દિવસ સુધી ૧૧૦૦ પ્રકાંડ પંડિત બ્રાહ્મણો દ્વારા એક લાખ ચંડીપાઠ કરવામાં આવશે. ૧૦૮ યજ્ઞકુંડના યજમાનો યજ્ઞમાં આહુતી આપશે અને ૧૧૦૦ પાટલાના યજમાનો દૈનિક પૂજનમાં સહભાગી થશે. સાથે જ દર્શનાર્થીઓ માટે પરિક્રમા માર્ગ અને સ્ટેડિયમ સાથે પેવેલિયન સિટીંગનું નિર્માણ થશે

  . ઉમિયાનગરમાં દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓને એક જ જગ્યાએ વિશ્વભરની ૫૧ શક્તિપીઠોના દર્શનનો લહાવો મળશે. વિશ્વભરમાં વસતા ૧૦ લાખથી વધુ પાટીદારોને 'માનું તેડું' મોકલવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ઠેરઠેર તેનું સામૈયું અને સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં ભાગ લેવા દેશ-વિદેશથી ૫૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, જેથી કાર્યક્રમના સરળ અને સફળ આયોજન માટે ૨૦ હજારથી વધુ સ્વયંસેવકો તત્પર છે, સતત એક વર્ષથી ૪૫ જેટલી જુદી જુદી સમિતિઓ દ્વારા ઝીણવટભર્યું આયોજન કરવામાં આવી રહ્યું છે અને દાનની સરવાણી પણ વહી રહી છે અને વિશ્વભરના પાટીદારોમાં અનેરા ઉત્સાહનો સંચાર થયો છે.

૧૮થી ૨૨ ડિસેમ્બર લક્ષચંડી મહાયજ્ઞની સાથે યોજાશે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. મા ઉમિયાનગરના પ્રાંગણમાં ૭ લાખ ચોરસફૂટમાં ભવ્ય પ્રદર્શન યોજાશે. ન્યુ ઈન્ડિયા પેવેલિયનમાં ઔદ્યોગિક, કૃષિ, વાણિજ્ય, શિક્ષણ અને હસ્તકલા જેવા વિવિધ ક્ષેત્રોના એક્ઝીબિશન સ્ટોલ હશે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના અંગે માર્ગદર્શન મળશે.

આસ્થા અને વિજ્ઞાનના સમન્વયરૂપ વિશાળ ગ્લોબલ ઈનોવેશન કોન્ક્લેવમાં સ્ટાર્ટઅપ, ઈન્ક્યુબેશન, નોલેજ એન્ડ ઈનોવેશન અને સાયન્ટીફીક એગ્રીકલ્ચર જેવા વિષયો અંગે માર્ગદર્શનથી દેશના વિકાસમાં ફાળો આપવા તત્પર યુવાનો અને ઉદ્યમીઓના ઉજ્જવળ ભવિષ્યને ગતિ મળશે. વિશ્વભરમાં ખ્યાતિપ્રાપ્ત એક્સ્પર્ટ દ્વારા માર્ગદર્શન માટે જ્ઞાનકુટીર અને વેપારચોરાનું આયોજન થશે. શિક્ષણ, કરિયર ગાઈડન્સ, રોજગાર જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા સેમિનાર કરાશે.  

  મહોત્સવમાં આવનાર દરેક ભક્ત જળશક્તિ અભિયાનને જન અભિયાન બનાવવાનો સંકલ્પ લેશે. સાથે સ્ટોપ સિન્ગલ યુઝ પ્લાસ્ટીકના અભિગમ સાથે મહોત્સવ સિંન્ગલ યુઝ પ્લાસ્ટીકમુક્ત ભારતના અભિયાનને પણ વેગવાન બનાવશે. બેટી બચાવો, બેટી પઢાવોથી એક પગલું આગળ વધીને બેટી કો આગે બઢાવોનો પણ સંકલ્પ કરાશે. અમ્યુઝમેન્ટ પાર્ક, સાંસ્કૃતિક કાર્યક્રમો, બ્રાન્ડેડ ફુડકોર્ટ અને દર્શનાર્થીઓ માટે ભોજન માટેની અલાયદી વ્યવસ્થા સાથે અહીં બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા માટે કંઈકને કંઈક હશે. દેશવિદેશનાં ધાર્મિક સ્થળો પર મહોત્સવનું લાઈવ વેબકાસ્ટ થશે. આમ તો ઉજવણી શરૂ પણ થઈ ગઈ છે

  સોલા કેમ્પસમાં અભૂતપૂર્વ ગરબા, વિશાળ નગરયાત્રા સાથે વિજય ધ્વજ રોહણનો પ્રસંગ ઉજવાયો, વિરાટ દિવ્યજ્યોત સંકલ્પ યાત્રા અને ડાયરો યોજાયો, માનું તેડું આમંત્રણ પત્રિકાઓનું વિતરણ અને માના દિવ્ય જ્યોતિ રથનું પરિભ્રમણ થઈ રહ્યું છે. આયોજકો, સ્વયંસેવકો સહિત સમગ્ર ઊંઝા ભાવિકોને આવકારવા થનગની રહ્યા છે. પાંચ એસપી સહિત પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાશે, નગરપાલિકાઓ સહિત વહીવટી તંત્ર પણ આયોજનમાં સંપૂર્ણ સહકાર સાથે જોડાયું છે.

(12:50 pm IST)