Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પતિના મોભા અનુસાર જ પત્ની પણ વૈભવી જીવન જીવવા માટે હક્કદાર

ર૩ કંપનીમાં ડાયરેકટર એવા સ્ટીલના વેપારીને કોર્ટનો આદેશઃ પત્ની-બાળકોને માસિક ૪૦ હજાર રૂપિયા ખોરાકી ચૂકવવી પડશે

સુરત તા. ૩૦ :.. શહેરના પોશ વિસ્તાર ડુમસ ગૌરવ પથ રોડ ઉપર વાસ્તુ લકઝૂરીયા ખાતે રહેતી પરણિતાએ મુંબઇ ખાતે વૈભવશાળી જીવન જીવતા પતિ પાસે ખાધા ખોરાકી મેળવવા અરજી કરેલી અરજી ફેમીલી કોર્ટના પ્રિન્સિપાલ જજે મંજૂર કરી છે. પરણિતા અને બે બાળકોને પણ તેમના પતિ તથા પિતાની જીવનશૈલી અને જીવનધોરણ મુજબ જીવન જીવવા હકકદાર હોવાનું તારણ આપી માસિક રૂપિયા ૪૦ હજાર ભરણ પોષણ આપવાનો મહત્વપુર્ણ હુકમ કર્યો છે.

ડુમસ સ્થિત વાસ્તુ લકઝૂરીયા ખાતે રહેતી પાયલ રાંકાના લગ્ન મુંબઇ ગોરેગાંવ સ્થિત વિજેન્દ્ર રાંકા સાથે થયા હતાં. સ્ટીલ અને આયનના બિઝનેઝ સાથે સંકળાયેલા વિજેન્દ્ર મુંબઇમાં બે ફલેટ ધરાવે છે. અલગ અલગ ર૩ કંપનીઓમાં ડીરેકટર પદ શોભાવતા રાંકા લકઝૂરીયસ લાઇ ફસ્ટાઇલથી જીવન જીવે છે. તેઓ અવારનવાર વિદેશ પ્રવાસ પણ કરી રહ્યા છે. રાંકા દંપતિ તેમના લગ્ન જીવન દરમિયાન બે સંતાનો ગૌરવ રાંકા અને રીત વિજેન્દ્ર રાંકાના વાલી થયા હતાં. એક દિવસ પાયલ રાંકા સમક્ષ વિજેન્દ્ર રાંશાનો અન્ય સ્ત્રી સાથે લગ્નેતર સંબંધ હોવાનો ભાંડો ફૂટી ગયો હતો. જેને પગલે દંપતિ વચ્ચે અવારનવાર ઝઘડા થઇ રહ્યા હતાં.

રાંકા દંપતિ વચ્ચે થઇ રહેલા કલેશ દરમિયાન વિજેન્દ્રએ પત્ની પાયલને પોતાના બંને બાળકો સાથે ઘરમાંથી કાઢી મુકયા હતાં. પત્નીના ભરણ પોષણ અને સંતાનોના ઉછેરની કોઇ જવાબદારી લીધા વિના કે વ્યવસ્થા કર્યા વિના જ ત્રણેય માટે ઘરના દરવાજા બંધ કરી દેતા પાયલે અત્રેની ફેમીલી કોર્ટમાં પતિ વિજેન્દ્ર પાસે ખાધા ખોરાકી મેળવવા ફરીયાદ કરી હતી. એડવોકેટ કેતન રેશમવાલા અને વિવેક ભટ્ટનાએ પ્રિન્સીપાલ ફેમીલી કોર્ટમાં કરેલી દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી પત્નીને પણ તેના પતિની વૈભવશાળી લાઇફ સ્ટાઇલ મુજબ જીવન જીવવાનો અધિકાર હોવાનું સ્વીકાર્યુ હતું. આ સાથે  જ બંને સંતાોને મહિને દસ-દસ હજાર અને પત્નીને માસિક ર૦ હજાર મળી કુલ રૂપિયા ૪૦ હજાર માસીક ભરણ પોષણ ચુકવવા આદેશ કર્યો હતો.

(11:51 am IST)