Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ગામડાઓમાં પાક વીમો, શહેરોમાં હેલ્મેટનો મુદ્દો સરકારને ભારે પડશે

એક તરફ વિજયભાઇ પ્રજાલક્ષી નિર્ણયોની હારમાળા સર્જી રહ્યા છે, બીજી તરફ વિરોધની 'માળા' તૈયાર થઇ રહી છેઃ ગુપ્તચર તંત્ર અને સમીક્ષકોનો ગાંધીનગર-દિલ્હીને ચોકાવનારો રીપોર્ટઃ દેખીતા સબ સલામત, અંદરખાને માહોલ અલગ

રાજકોટ તા.૩૦: ગુજરાતમાં છેલ્લા સવા ત્રણ વર્ષથી શાસન ધુરા સંભાળી રહેલા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી રાજયની પ્રજા માટે એક પછી એક નિર્ણયો લઇ રહ્યા છે. બીજી તરફ તેમના અંદર-બહારના રાજકીય વિરોધીઓએ પ્રજાકીય કામોની હારમાળાને ઝાંખી પાડે તેવી 'માળા'ગુંથવાનું શરૂ કર્યાના નિર્દષ છે. સમય-સંજોગો અને અમૂક ઘટનાઓએ તેમને બળ આપ્યુ છે. ગુપ્તચર તંત્રએ સમગ્ર રાજયનો અહેવાલ તૈયાર કરીને ગાંધીનગર અને દિલ્હીના મેજ પર મૂકયાનું અને તેમાં પાક વીમા તથા હેલ્મેટના મુદ્દાથી સરકારને ભારે રાજકીય નુકશાનની સંભાવના હોવાનું જણાવાયાનું જાણવા મળે છે.

રાજય સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડુતો માટે પહેલા રૂ.૭૦૦ કરોડ અને પછી રૂ.૩૭૫૦ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે.  ખેડુતો માટે આ અભૂતપૂર્વ પેકેજ છે છતા અસંતોષની આગ ઠરતી નથી. ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ છે અત્યારે ગામડાઓમાં પાક વીમાના પ્રશ્નએ મોટુ સ્વરૂપ લીધુ છે. પાક વીમામાં કેન્દ્ર-રાજય સરકાર અને વીમા કંપનીની ભૂમિકા રહે છે.  ખેડૂતોનો આ અસંતોષ સરકાર માટે લાલબતી સમાન છે તા.૧ નવેમ્બરથી સરકારે હેલ્મેટ ઉંચા દંડ સાથે ફરજીયાતનો અમલ કરાવ્યો છે. કેન્દ્રએ નક્કી કરેલી દંડની અમૂક રકમમાં રાજય સરકારે રાહત જાહેર કરી છે. અમદાવાદ,સુરત,રાજકોટ, વડોદરા  સહિતના  શહેરોમાં લગભગ ૧૦૦ ટકા અમલના પગલે  પોલીસે હેલ્મેટના કાયદાનો અમલ કરાવવા 'ઝુંબેશ' ઉપાડી તેનાથી લોકોમાં પ્રચંડ રોષ ફેલાયો છે ધડાધડ મોકલાતા ઇ-મેમા ભાજપના મત ઓછા કરી રહયાની વાતો ઉપર સુધી પહોચી છે. હેલ્મેટ, સીટ બેલ્ટ વગેરે લોકોના હિત માટે હોવાની સરકારની દલીલ સામે નવા નિયમો સરકારની તિજોરી ભરવા માટેના હોવાની વાત વધુ પ્રભાવક બની છે. મંદીના મારથી પીડાતી પ્રજા માટે આકરો દંડ પડયા પર પાટા સમાન છે

ગુપ્તચર તંત્ર અને સરકારના હિતેચ્છુઓએ જનમાનસનો અભ્યાસ કરી ઉપરોકત તારણ કાઢયાનું જાણવા મળે છે. ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે  ગંભીર આક્ષેપો, ભાજપના જ સાંસદો દ્વારા રાજય સરકારને લખાતા અને ફેલાવાતા  ઉકળાટ જેવા પત્રો વગેરે બાબતે પણ અહેવાલમાં ઉલ્લેખ થયાનું ચર્ચાઇ રહ્યુ છે.

ધારાસભ્યની પેટાચૂંટણીમાં ૩ બેઠકો પર ભાજપનો પરાજય અને અમદાવાદની અમરાઇવાડી બેઠકમાં માંડ-માંડ જીત પાર્ટી અને સરકાર માટે ચિંતાનું કારણ જણાય છે. આવતા ૧૧ મહિનામાં તાલુકા-જિલ્લા પંચાયતો અને કોર્પોરેશનોની ચૂંટણી આવી રહી છે. ગુજરાત બાબતે કેન્દ્રીય નેતાગીરી વધુ સતર્ક બન્યાના વાવડ છે. અમદાવાદ કલેકટરની અણધારી મનાતી બદલી ચર્ચાના ચકડોળે છે.  હાલ મુખ્યમંત્રી પર હાઇકમાન્ડના ચારેય હાથ છે છતા અંદરખાને ચોક્કસ પ્રકારની પૂર્વભૂમિકા તૈયાર થઇ રહ્યાની વાતો સંભળાઇ રહી છે.

(12:05 pm IST)