Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

મરાઠા ઇફેકટ : ગુજરાતમાં પાટીદારો બાદ બ્રાહ્મણ, રાજપૂત પણ અનામત મેળવવા મેદાને

અમદાવાદ તા. ૩૦ : મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને અનામત આપવાનો રસ્તો સાફ કરી દીધા બાદ હવે ગુજરાતમાં પણ તેના પડઘા પડી રહ્યા છે. પાટીદારો બાદ હવે રાજપૂત ઉપરાંત બ્રાહ્મણ સમાજ પણ ઓબીસી અનામત મેળવવા માટે ફરી સક્રીય બન્યો છે.

પાટીદારો માટે અનામત આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલે તાજેતરમાં જ ઓબીસી કમિશનની મુલાકાત લઈ અનામત માટે રજૂઆતો કરી હતી. હાર્દિક બાદ હવે બ્રાહ્મણ તેમજ રાજપૂત સમાજના આગેવાનો પણ ઓબીસી અનામત માટે ઓબીસી કમિશનના અધ્યક્ષ જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટ સમક્ષ રજૂઆત કરી છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ ભટ્ટના જણાવ્યા અનુસાર, પંચ દ્વારા તેમને સોમવારે બપોરનો સમય ફાળવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બ્રાહ્મણોની વસ્તી ૬૦ લાખ છે, જે તેમાં ૧૫ લાખ કુટુંબનો સમાવેશ થાય છે. જોકે, ૪૨ લાખથઈ વધુ બ્રાહ્મણો આર્થિક રીતે સદ્ઘર નથી. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બ્રાહ્મણો સામાજીક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત બની રહ્યા છે.

બીજી તરફ, સમગ્ર રાજપૂત ગરાસિયા સમાજના સંગઠનોના નામે સુજ્ઞાબેન ભટ્ટને રૂબરૂ મળી લેખિતમાં રજૂઆત કરાઈ હતી. ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજના અગ્રહણી રાજનસિહં ચાવડાના જણાવ્યા અનુસાર, જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ કરી ૫૦ ટકા સિવય અલગ ઓબીસી કવોટા ફાળવવા માગ કરાઈ છે.

(4:22 pm IST)