Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

નોટબંધી-જી.એસ.ટી.ના કારણે વેપાર-ધંધા ભાંગી ગયાઃ રૂપાણી રાજમાં ૬૦ લાખ યુવાનો બેરોજગાર

ફીકસ પગાર ધોરણે સામેની અરજી સરકાર સુપ્રિમમાંથી પરત ખેચેઃ અમિત ચાવડા

અમદાવાદ, તા.૩૦: એક તરફ રોજગારી માટે તકો ઉભી કરવાની સરકાર વાત કરી રહી છે. ત્યારે બીજી તરફ રાજયમાં બેરોજગારોનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. તાજેતરમાં બહાર પડેલી તલાટીની ૧૮૦૦ જગ્યા માટે રાજયભરમાં ૧૯ લાખ જેટલી અરજી કરવામાં આવી છે. સરકારના આંકડા પ્રમાણે રાજયમાં ત્રીજા વર્ગની ખાલી પડેલી ૧૨ હજાર જેટલી જગ્યાઓ માટે ૩૮ લાખ જેટલી અરજીઓ મળી છે. મોંઘા શિક્ષણ અને લાખો બેરોજગારો ભાજપા સરકારની ગુજરાતને ભેટ હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તલાટીની જગ્યા પર સૌથી વધારે અરજી કરવામાં આવી છે. તલાટી માટે અક જગ્યા પર સરેરાશ ૧૦૫૫ અરજી કરવામાં આવી છે. ત્યારબાદ ફોરેસ્ટ બીટ ગાર્ડની ૩૩૪ જગ્યા માટે ૪.૮૪ લાખ અરજી કરવામાં આવી છે. કોન્સ્ટેબલની ૯૭૧૩ જેટલી જગ્યા સામે ૮.૭૬ લાખ અરજીઓ કરવામાં આવી છે એટલે કે એક જગ્યા માટે ૯૦ ઉમેદવારોએ અરજી કરી છે. ૨૦૧૧માં બેરોજગારીનો દર ૩.૮ ટકાથી વધીને પ ટકા થઇ ગયો છે.

ભારતમાં બેરોજગારીની સંખ્યા ૧.૭ કરોડથી વધીને ૧.૮ કરોડ થઇ જશે એનો મતલબ આ વર્ષે ૧૦ લાખ કરતાં વધુ લોકો બેરોજગારમાં ઉેમેરો થશે. ગુજરાતમાં ૬૦ લાખથી વધુ યુવાનો રોજગારી શોધી રહ્યા છે.

ભાગના વિભાગો ઇન્ચાર્જથી જ ચાલી રહ્યા છે. દર વર્ષે બે કરોડ નવી રોજગારીના દાવા સામે મોદી શાસનના ૧ વર્ષમાં માત્ર ૧.૩૮ લાખ રોજગારી દેશના યુવાનોને મળી, સામા પક્ષે નોટબંધીનું ઉતાવળિયું પગલું અને જી.એસ.ટી.ના અમલીકરણની નિષ્ફળતાને લીધે દેશમાં લાખો નાના અને મધ્યમ કદના ઉદ્યોગો અને નાના વેપાર-ધંધા પડી ભાંગતા માત્ર ગુજરાતમાં ૨૦ લાખ લોકોની રોજગારી છીનવાઇ ગઇ છે. રાજયના મુખ્યમંત્રી રોજગારના ખોટા દાવાઓ કરવાને બદલે સાચા અર્થમાં ગુજરાતના યુવાનોની ચિંતા કરે. તેમ અમિત ચાવડાએ જણાવ્યુ છે.(૨૩.૪)

(11:52 am IST)