Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

OBC પંચ સાથે પાટીદારોની બીજીવાર બેઠક: અનામત નહીં મળે ત્યાં સુધી લડતનો લલકાર

પાસના કન્વીનરોની ઓબીસી પંચના અધ્યક્ષા સુજ્ઞાબેન ભટ્ટ સાથે ચર્ચા :પાટીદારોનો સરવે કરવા રજૂઆત

ગાંધીનગરઃ આજે પાટિદાર નેતાઓ અનામતની માગણી સાથે ગાંધીનગર પહોંચ્યા હતા.પાસના કન્વીનર મનોજ પનારા, ગીતા પટેલ, ધાર્મિક માલવીયા, જયેશ પટેલ સહિતના પાટીદારો ઓબીસી કમિશનની ઓફિસે પહોંચ્યા હતા.જ્યાં ઓબીસી પંચના અધ્યક્ષા સુજ્ઞાબેન ભટ્ટ સાથે પાટીદારોની એક કલાક લાંબી મેરાથોન બેઠક ચાલી હતી

  આ બેઠકમાં ધાર્મિક માલવીયા અને મનોજ પનારાએ પાટીદારોને અનામત કેવી રીતે મળી શકે છે તેના અંગે વિવિધ રજૂઆતો કરી હતી. તેમણે જણાવ્યું કે, પાટીદારોને બંધારણીય ધોરણે અનામત જોઈએ છે. આ માટે રાજ્ય સરકારે પાટીદાર સમાજનો સરવે કરવો જોઈએ. 

  ઓબીસી પંચના અધ્યક્ષા સાથે બેઠક બાદ બહાર આવેલા પાટીદાર નેતાઓ તરફથી પાસના કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું કે, "પાટીદારોને બંધારણીય રીતે અનામત મળે તેના માટે અમે ઓબીસી પંચને રજૂઆત કરી હતી. જો મહારાષ્ટ્રમાં મરાઠાઓને વર્તમાન 52% અનામત સિવાય અલગથી અનામત મળી શકતી હોય તો ગુજરાતમાં પાટીદારો માટે પણ સરકાર વિચારી શકે છે."

 મનોજ પનારાએ વધુમાં જણાવ્યું કે,રાજયના અલગ અલગ વિસ્તારોમાં પાટીદારો અલગ નામથી ઓળખાય છે. આથી, ઓબીસી પંચ સાથે તેના માટે ચર્ચા કરવામાં આવી છે. આવતા દિવસોમાં કમિશન જે કોઈ પણ મુદ્દા અંગે ચર્ચા કરવા માટે બોલાવશે તેના માટે અમે તૈયાર છીએ. અમે ઓબીસીમાં અનામતની માગણી કરી છે. પાટીદાર આંદોલનમાં અનેક યુવાનો શહીદ થયા છે. જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે

(11:46 pm IST)