Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

વડાપ્રધાન મોદીનો કેવડીયા પ્રવાસ:વિકાસના વિવિધ 17 પ્રોજેકટસના લોકાર્પણ અને 4 નવા પ્રોજેકટના શિલાન્યાસ

પ્રથમ ચરણમાં આરોગ્ય વન, એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું, જીઓડેસિક હોમ એવીઅરી, જંગલ સફારી પાર્ક, બોટ રાઈડ અને એકતા મોલ, યુનિટી ગ્લો ગાર્ડન અને કેકટર્સ ગાર્ડનનું લોકાર્પણ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ 17 પ્રોજેકટસના લોકાર્પણ અને 4 નવા પ્રોજેકટના શિલાન્યાસ પ્રસંગે આજે પ્રથમ ચરણમાં આરોગ્ય વન, એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું, જીઓડેસિક હોમ એવીઅરી, જંગલ સફારી પાર્ક, બોટ રાઈડ અને એકતા મોલ, યુનિટી ગ્લો ગાર્ડન અને કેકટર્સ ગાર્ડનનું લોકાર્પણ કર્યું હતું.

 નોંધનીય છે કે, કેવડિયા બચાવો આંદોલન સમિતિએ પોતાની વિવિધ માંગોને લઈ 30-31 ઓક્ટોબરે કેવડિયા બંધનું એલાન આપ્યું હતું. સાથે સાથે કોરોના સંક્રમણના ખતરાને ધ્યાને લઈને 14 ગામના આદિવાસીઓએ 30-31 ઓક્ટોબરે બજારો બંધ રાખવા તથા બહારની કોઈ પણ વ્યક્તિઓને કેવડિયા વિસ્તારમાં “NO ENTRY” નું ફરમાન કર્યું હતું. જો કે પ્રથમ દિવસે કેવડિયા બજાર બંધના અને અન્ય પ્રકારના વિરોધના કોઈ બનાવો બન્યા ન હતાં. નર્મદા પોલીસ પ્રથમ દિવસે વિરોધ ખાળવા સફળ રહી હતી.

 વડાપ્રધાન મોદી સાથે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી પણ જોડાયા હતાં. પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મ જયંતીના પૂર્વ દિવસે આ પ્રવાસન આકર્ષણ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સંપન્ન કર્યા હતાં. આ તમામ પ્રોજેકટસે સ્ટેચ્યુ ઑફ યુનિટીના આકર્ષણમાં વધારો કર્યો છે જે પ્રવાસીઓને આકર્ષવા અને માણવા માટે આહલાદક નજરાણા પુરવાર થશે. આ બધા જ પ્રોજેકટ વિક્રમજનક સમયમાં પૂર્ણ થતા કેવડિયા વિશ્વ સ્તરના એક પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. જ્યાં કુટુંબના દરેક વયજૂથના સભ્યો માટે રસપ્રદ આકર્ષણો બની રહેશે.

(11:13 pm IST)