Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

GSTની તપાસ દરમિયાન કરદાતાના બેન્ક એકાઉન્ટ સીઝ કરી શકાય નહીં

ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

અમદાવાદ, તા.૩૦: સ્ટેટ જીએસટીના અધિકારીઓએ તપાસ દરમિયાન કરદાતાના બેંક એકાઉન્ટ અને મિલકત સીઝ કરી દીધી હતી. તેની સામે કરદાતાએ હાઇકોર્ટમાં પીટીશન કરતા હાઇકોર્ટે તપાસ દરમિયાન કરદાતાની મિલકત કે બેંક એકાઉન્ટ સીઝ કરી શકાય નહીં તેવો ચુકાદો આપ્યો છે. તેના કારણે વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે.  સ્ટેટ જીએસટીના અધિકારીઓએ જય અંબે ફિલામેન્ટમાં જીએસટી ચોરીની તપાસ દરમિયાન તેના પાંચ બેંક એકાઉન્ટ તથા મિલકત સીઝ કર્યા હતા.

હાઇકોર્ટમાં આની સામે પીટીશન કરીને સ્ટેટ જીએસટીના અધિકારીઓની કાર્યવાહી યોગ્ય નહીં હોવાની દાદ માંગવામાં આવી હતી.  હાઇકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ ચાલેલી સુનાવણી બાદ કોર્ટે ચુકાદો આપતા સ્ટેટ જીએસટીના અધિકારીઓની કામગીરી સામે ગંભીર ટકોર કરી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જે.બી. પારડીવાલાની ખંડપીઠે ચુકાદો આપતા જણાવ્યુ છે કે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ કલમ ૮૩ મુજબ જે કાર્યવાહી કરી છે તે યોગ્ય નથી.

કારણ કે પિટિશનરના બેંક એકાઉન્ટ અને મિલકત સીઝ કરી દેવાના કારણે તે વેપાર જ કરી શકશે નહીં. જયારે અધિકારીની તપાસ ચાલુ હોય ત્યારે આ કાર્યવાહી કરવી યોગ્ય નહીં હોવાનું પણ ચુકાદામાં જણાવ્યુ છે. જયારે કલમ ૮૩નો ઉપયોગ વેપારીઓને હેરાન કરવા માટે નથી. જેથી તેનો કઇ જગ્યા અને કેવી રીતે ઉપયોગ કરવો તેની પણ ખાસ તકેદારી રાખવા માટેની ટકોર કરવામાં આવી છે. હાઇકોર્ટે આ ચુકાદો આપતા હવેથી જીએટીના અધિકારીઓએ તપાસ દરમિયાન કોઇ પણ કરદાતાના બેંક એકાઉન્ટ કે મિલકત સીઝ કરી શકશે નહીં. તેના લીધે અધિકારીઓ દ્વારા વેપારીઓને કરવામાં આવતી હેરાનગતિમાં પણ મહદ અંશે ઘટાડો થવાની શકયતા રહેલી છે.

(10:03 am IST)