Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

વડાપ્રધાનની સુરક્ષાને લઇ નદીમાં પેટ્રોલિંગ માટે કંડલાથી મરીન બોટ અમદાવાદ લવાઈ

રિવરફ્રન્ટની કિલ્લેબંધી કરાઈ: સાબરમતી નદીમાં કોસ્ટલ પોલીસની બોટથી પેટ્રોલીંગ કરાશે :વોટર એરોડ્રોમની પણ સુરક્ષા વધારાઈ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેનના કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ થઇ રહી છે. પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરવામાં આવી રહી છે. સાબરમતી નદીમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવા માટે દરિયામાં પેટ્રોલિંગ માટે વપરાતી બોટ કંડલાથી અમદાવાદ લાવવામાં આવી છે. સાબરમતી નદીમાં કોસ્ટલ પોલીસની બોટથી પેટ્રોલીંગ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈ સાબરમતી નદીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. નદીમાં રેસ્કયૂ બોટમાં તેમજ કોસ્ટલ પોલીસની બોટમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. સાથે-સાથે અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનો પણ સતત નદીમાં પેટ્રોલિંગ કરશે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેનના સંચાલન માટે તૈયાર કરવામાં આવેલા વોટર એરોડ્રોમની પણ સુરક્ષા વધારાઈ છે. રિવરફ્રન્ટ અને વોટર એરોડ્રોમ ખાતે SRPના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત SPG ના જવાનો દ્વારા પણ સમયાંતરે ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે

(12:58 am IST)