Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

અમદાવાદના કેડિલા ફાર્માસ્યુટિકલના ચેરમેન રાજીવ મોદી અને મોનિકા મોદીના ૨૬ વર્ષના લગ્નજીવનનો અંતઃ છૂટાછેડા મંજૂર

અમદાવાદઃ શહેરના હાઈપ્રોફાઇલ છુટાછેડા કેસમાં કેડિલા ફાર્માસ્યુટિકલના ચેરમેન રાજીવ મોદી અને મોનિકા મોદીએ સહમતિથી 26 વર્ષના લગ્નજીવનનો અંત લાવી દીધો. આજે સ્પેશ્યલ મેરેજ એકટ હેઠળ ફેમિલી કોર્ટમાં રાજીવ મોદી અને મોનિકા મોદીના છૂટાછેડાને મંજૂર કરી લેવાયા છે. ફેમિલી કોર્ટના ચુકાદા પ્રમાણે દીકરો રાજીવ મોદી પાસે રહેશે.

દેશમાં આટલી મોટી રકમનો છૂટાછેડાનો બીજો કેસ

દેશમાં આટલી મોટી રકમ સાથે ભરણપોષણ લઇ છુટાછેડા લેવાયા હોય એવી બીજી ઘટના છે. અગાઉ ફિલ્મસ્ટાર ઋત્વિક રોશન અને સુઝાનખાનને 400 કરોડ ચુકવીને છુટાછેડા મેળવ્યા હતા. કેડિલાના ચેરમેન રાજીવ મોદી અને મોનિકા 18મી જાન્યુઆરી 1992ના રોજ લગ્નગ્રંથીથી જોડાયા હતા. કેડિલા ફાર્માસ્યુટિકલના માલિક રાજીવ મોદી અને તેમની પત્ની મોનિકા વચ્ચે 29મી ઓગષ્ટના વિવાદ સૌ પ્રથમવાર જાહેરમાં આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે છુટાછેડા લેવાનું નક્કી થયું હતુ. જે મુજબ રાજીવ મોદીએ પત્ની મોનિકાને કાયમી ભરણપોષણ પેટે રૂ.200 કરોડ આપે અને તેના બદલામાં મોનિકા કેડિલા ફાર્મા સહિતની રાજીવ મોદીની તમામ સંપત્તિ પરથી હક્કો જતા કરવાની શરત રાખવામાં આવી હતી.

200 કરોડમાં થયા છુટાછેડા

મોનિકા મોદી તરફથી સીનીયર એડવોકેટ સુધીર નાણાવટી અને રાજીવ મોદી તરફથી શાલિન મહેતાની હાજરીમાં શરતો નક્કી થઇ હતી. સોલા પોલીસ મથકમાં નક્કી થયા પ્રમાણે રાજીવ મોદીએ રૂ.200 કરોડ આંબાવાડીની બેંક ઓફ બરોડામાં એક એસ્ક્રો એકાઉન્ટ ખોલાવી ભરી દીધા હતા. જયારે મોનિકાએ તેના હક્કો છોડી દેવા માટેના દસ્તાવેજો ઉપર સહીઓ કરી દીધી હતી. એસ્ક્રો એકાઉન્ટ અને દસ્તાવેજો બંને પક્ષકારોના વકીલોના એસ્ક્રો એજન્ટ પાસે સંયુક્તપણે રાખવામાં આવ્યું હતું છૂટાછેડાની ડિક્રી પર કોર્ટની મોહર વાગે તે પછી પરસ્પર આપ લે કરી લેવાનું નક્કી કરવામા આવ્યું હતું.

કોણ છે મોનિકા મોદી

એક અહેવાલ મુજબ મોનિકા ગરવારેના પિતા શશિકાંત ગરવારે મુંબઈના મોટા બિઝનેસમેન છે. ગરવારે ગ્રૂપની પોલિસ્ટર કંપની 18 દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરે છે. કહેવાય છે કે મોનિકા મોદી ખુદ 1000 કરોડની સંપત્તિના વારસદાર છે.

(5:31 pm IST)