Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કોંગ્રેસને હંફાવવા ભાજપ ગઢડા સીટ પર મહેન્દ્ર બગડાને ટિકિટ આપશે?

પેટા ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારો માટેની ક્વાયત : જાણીતા ટીવી એન્કર મહેન્દ્ર બગડાની લોકપ્રિયતા વટાવીને ભાજપ આ બેઠક પર કબજો જમાવવા પ્રયાસ કરશે

ગાંધીનગર, તા. ૩૦ : ૨૦૦૫માં સુરત, વડોદરા, રાજકોટ , ભાવનગર મહાનગરોમાં અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે ૭૦ ટકા બેઠકો પર નો રીપીટ થીયરી લાગુ કરી હતી. જૂનાના બદલે તદ્દન નવા યુવાન ચહેરાઓને સ્થાનિક રાજકારણમાં ઉતાર્યા હતા. પરિણામે કોંગ્રેસને કોમામાં નાંખી નેવું ટકા બેઠકો ભાજપે મેળવી હતી. ૮ આઠ ધારાસભાની બેઠક પેટા ચૂંટણી દિવાળી પર થશે. ભાજપના પ્રમુખ સી આર પાટીલ બધી બેઠક જીતવા માગે છે. ભાજપે ટિકિટ કોને આપવી તે ગણિત માંડવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસથી ભાજપમાં આવેલા ત્રણ પૂર્વ ધારાસભ્યોને ચૂંટણી નહી લડવાનો આદેશ આપ્યો છે. તેમના કારણો દરેક બેઠકમાં જૂદા છે. પરંતુ ગઢડાની દલિત અનામત બેઠક પર કોંગ્રેસે પ્રવિણ મારુને જીત અપાવી હતી. તે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જતાં રહ્યાં છે.

              આ વાતને ગંભીર ગણીને કોંગ્રેસ હવે નવી ચાલ ચાલે છે. ગઢડામાં આ સંજોગોમાં ભાજપને હરાવવા  માટે કોંગ્રેસ કોઈ દિગ્ગજ અને ખમતીધર નેતાને મેદાને ઉતારે તેવી માહિતી મળી છે. સામા પક્ષે ભાજપ ગત ટર્મમાં ખુબ મોટી લીડથી હારી ગયેલા મુળ સુરતના આત્મારામ પરમારને ફરી મેદાનમાં ઉતારવા માગે છે. પરંતુ ભાજપની મોટી વિડંબણા એ છે કે આત્મારામ માટે સ્થાનીક ભાજપના નેતાઓ અને ખાસ કરીને દલિત, પાટીદાર, કોળી, ક્ષત્રીય જેવી જ્ઞાતીઓમાં ખુબ નારાજગી છે. આ જ્ઞાતિઓએ આત્મારામ પરમારને હરાવવાનું નક્કી કર્યું છે. ભાજપમાં પણ આત્મરામ પરમાર સામે ભારે રોષ છે. તે જાહેરમાં અનેક નેતાઓએ વ્યક્ત કર્યો છે.  ગઢડાના દલિત મતદારો માટે આત્મારામ પરમાર દેખાયા નથી. કેટલાક જૂજ સુરતના ઉદ્યોગપતીઓની તરફેણ કરીને તેમની સાથે સારા સંબંધો રાખીને આત્મારામ જીતે છે. ગઢડાની પ્રજા માટે કંઈ કરતા નથી. તેવો સુર ભાજપના તેની સામેના જૂથને લાગી રહ્યો છે. 

           ભાજપ આ વખતે દિલ્હી, પંજાબ અને બંગાળમાં જે રીતે લોકપ્રિય નેતા, અભિનેતા, ગાયક કે ટીવી સ્ટારને મેદાને ઉતારી જંગ જીતી ગયું હતું. તે પેટર્ન પર ગઢડા અનામત બેઠક પર ટીવીના જાણીતા એક્નર  મહેન્દ્ર બગડાને મેદાને ઉતારે તેવા સંકેતો મળી રહ્યાં છે. ૨૦ વર્ષથી ગુજરાતી ટેલિવિઝન ન્યૂઝમાં જાણીતા અને ભાઈ ભાઈ શોના કારણે સમગ્ર ગુજરાતમાં પ્રસિધ્ધ મહેન્દ્ર બગડાને ટિકિટ આપવા માગે માગણી પણ થઈ છે. તેમણે ગઢડા-અમરેલીના અનેક લોક પ્રશ્નો ઉકેલી બતાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિયાળ ટાપુને વીજળી અપાવવા માટે બગડાના સૂચનને આવકાર્યું હતું. અને મોદીએ તે કરી બતાવ્યું છે. ગઢડાના યુવા દલિતોમાં સૌથી લોકપ્રિય અને જાણીતુ નામ મહેન્દ્ર બગડા છે.  આ ઉપરાંત ખેડુતોના પ્રશ્નો માટે અનેક ટીવી શો કરવાના કારણે ખેડુતોમાં પણ ખુબ લોકપ્રિય છે. ઉપરાંત સુરતના મોટા ભાગના પાટીદાર ઉદ્યોગપતીઓ સાથે રહી અમરેલી જીલ્લામાં જળ સિંચનના કામમાં અગ્રેસર ભુમિકા ભજવી છે. ગઢડાના અગ્રણીઓ પણ ઈચ્છે છે કે, ભાજપ દ્વારા યુવા અને પ્રામાણિક ચહેરો ઉતારવામાં આવે. તેઓ ગઢડાનો વિકાસ સરકાર અને ઉદ્યોગપતિઓને સાથે રાખીને કરાવવાની ક્ષમતા રાખે છે.

            ગઢડાના પત્રકાર મહેન્દ્ર બગડાના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, મુખ્ય પ્રધાન વિજય રુપાણી સહિતના લગભગ તમામ મોટા નેતાઓ  સાથેની નિકટના સંબંધો છે. આ નેતાઓ દ્વારા ભાજપ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યાતા છે. જો કે ભાજપે હજુ તો સેન્સ પ્રક્રિયા શરુ કરી છે, પરંતુ કોંગ્રેસ જો કોઈ દિગ્ગજ દલિત નેતાને મેદાને ઉતારશે તો ભાજપ પણ પ્રસિધ્ધ ટીવી જર્નાલીસ્ટ અને એક્નર મહેન્દ્ર બગડાને ગઢડા રીઝર્વ બેઠક પર મેદાને ઉતારશે.  ઉલ્લેખનિય છે કે છેલ્લા એક વર્ષમાં ટીવીના પ્રસિધ્ધ ભાઈ ભાઈ શો એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખુબ લોકપ્રિયતા મેળવી છે. એના કારણે એક્નર મહેન્દ્ર બગડા લોકોમાં અતી પ્રિય છે, ભાજપ તેમની આ લોકપ્રિયતા જ આ ચૂંટણીમાં વટાવે તેવી માહિતી મળી રહી છે. ગઢડા રીઝર્વ બેઠક પર પણ ટીવી આર્ટીસ્ટને ઉતારી ભાજપ સૌને ચોંકીવી દેશે તેવુ માનવામાં આવી રહ્યું છે.

(9:29 pm IST)