Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ગાંધીનગરમાં નોકરી અપાવવાના બહાને 35 લાખથી વધુની છેતરપિંડી આચરનાર ભાઈ-બહેનની ધરપકડ

ગાંધીનગર: શહેરમાં સરકારી નોકરી આપવાના બહાને ઘણી ઠગ ટોળકીઓ સક્રિય થઈ છે ત્યારે ગાંધીનગર એલસીબીની મળેલી ફરિયાદના આધારે સચિવાલયમાં ડેપ્યુટી સેકશન ઓફીસર તરીકે નોકરી અપાવવાના બહાને ૩પ લાખ રૂપિયાની છેતરપીંડી કરનાર ભાઈ-બહેનને ગાંધીનગરમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. જેમની પુછપરછ શરૂ કરવામાં આવી છે અને તેમાં વધુ ગુના ઉકેલાવાની શકયતા પણ સેવાઈ રહી છે. આરોપી મહિલાએ પોતે મુખ્યમંત્રીના ઘરે પટાવાળા તરીકે નોકરી કરતી હોવાની ઓળખ આપીને સે-ર૧ના વેપારી સાથે આ છેતરપીંડી આચરી હતી.       

કર્મચારી નગરી ગાંધીનગરમાં આંતરે દીવસે વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાતી હોય છે ત્યારે આ ભરતી પારદર્શક રીતે સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ કેટલાક ગઠીયાઓ લોકોને સરકારી નોકરીની લાલચ આપીને તેમની પાસેથી માતબર રકમ મેળવી છેતરપીંડી આચરતાં હોય છે. છેલ્લા થોડા સમયથી ગાંધીનગરમાં આવા કિસ્સાઓ વધી ગયા છે ત્યારે ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ સંદર્ભે સઘન તપાસ કરી આવા તત્ત્વો સામે કડક હાથે કામ લેવા માટે એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાને તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબી-ર ની ટીમ આ દિશામાં કાર્યરત હતી ત્યારે ગઈકાલે સે-ર૧માં મહાવીર સોસાયટી પ્લોટ નં.પ૬૧/ર માં રહેતાં વિષ્ણુભાઈ રણછોડભાઈ પ્રજાપતિએ એલસીબીમાં ફરીયાદ આપી હતી કે અગાઉ તેઓ સે-ર૧માં કરીયાણાની દુકાન ચલાવતાં હતા ત્યારે કરીયાણું લેવા આવતાં જયોત્સનાબેન ઉર્ફે શારદાબેન કાંતિભાઈ વાઘેલા રહે.મકાન નં.૯ર, સંજરી પાર્ક, પેથાપુર સાથે પરિચય થયો હતો અને જયોત્સનાબેને મુખ્યમંત્રીના ઘરે પટાવાળા તરીકે નોકરી કરતાં હોવાની ઓળખ આપી હતી અને કોઈને સરકારી નોકરી જોઈતી હોય તો સંપર્ક કરવા વિષ્ણુભાઈને કહયું હતું. જેથી વિષ્ણુભાઈએ તેમની દીકરી અને તેમના ભાઈની દીકરીને સચિવાલયમાં ડેપ્યુટી સેકશન ઓફીસર તરીકે નોકરી અપાવવાનું કહેતા જયોત્સનાબેને નોકરી મળી જશે તેમ કહી અલગ અલગ તબકકે અલગ અલગ સમયે ૩પ લાખ રૂપિયા જેટલી માતબર રકમ વિષ્ણુભાઈ પાસેથી મેળવી લીધી હતી. જયોત્સનાબેનનો અન્ય એક સાગરીત પી.બી.ઝાલાના નામથી વિષ્ણુભાઈ સાથે વાત કરતો હતો અને જયોત્સનાબેન કહે તે મુજબ રૂપિયા આપી દેવા કહેતો હતો. ૩પ લાખ રૂપિયા જેટલી માતબર રકમ મેળવી લીધા બાદ પણ જયોત્સનાબેને વિષ્ણુભાઈ પાસેથી આ બન્ને યુવતિઓના નોકરીના ઓર્ડર માટે વધુ ૩.૧૦ લાખ રૂપિયા આપવા કહયું હતું. જેથી તેમને આ બાબતે શંકા ગઈ હતી અને એલસીબીનો સંપર્ક કર્યા બાદ ઈન્સ્પેકટર જે.જી.વાઘેલા, પીએસઆઈ એ.જી.એનુરકાર અને ટીમે છટકું ગોઠવયું હતું. સચિવાલયમાં ગેટ નં.૧ પાસેથી જયોત્સનાબેન અને અન્ય એક વ્યક્તિને ઝડપી પાડયા હતા. 

(5:22 pm IST)