Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

આણંદની બોરસદ ચોકડી નજીક 10 લાખની ચીલઝડપ કરી રફુચક્કર થયેલ ટોળકીના એક સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો

આણંદ: શહેરની બોરસદ ચોકડી નજીક ત્રણ દિવસ પૂર્વે થયેલા રૂા. ૧૦ લાખની ચીલઝડપના ગુનામાં પોલીસે સામરખા ચોકડી પાસે વૉચ ગોઠવી આ ટોળકીના એક સાગરિતને ઝડપી પાડયો છે. પોલીસે તેની પાસેથી ચીલઝડપમાં ગયેલ રૂા. ૧૦ લાખમાંથી ૪.૯૦ લાખ રૂપિયા કબ્જે કર્યા છે. હાલ પોલીસે મહિલા સહિત અન્ય ફરાર સાગરિતોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવ અંગે વધુમાં મળતી માહિતી મુજબ ત્રણ દિવસ પૂર્વે કાર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ માલીક જયેશભાઈ પટેલને લઈ એકલબારા ખાતે રહેતા પોતાના સાળાને રૂા. ૧૦ લાખ આપવાના હોઈ નીકળ્યા હતા. દરમ્યાન જયેશભાઈને ગામડી વડ ખાતે બારદાનનું કામ હોઈ પતાવ્યા બાદ યુવરાજસિંહ સાથે બોરસદ જવા નીકળ્યા હતા. તેઓની કાર બોરસદ ચોકડી નજીક આવેલ જીટોડીયા રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ટુવ્હીલર ચાલક તેમજ મોટરસાયકલના ચાલકે કારને ઉભી રાખી અકસ્માત સર્જ્યો હોવા બાબતે તકરાર કરી  હતી. જેને લઈ ભીડ એકત્ર થતા તકનો લાભ લઈ કારમાંથી રૂા. દસ લાખ લઈ ટુવ્હીલર પર ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે મહિલા સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:20 pm IST)