Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

શેરી ગરબા અંગે બેઠક બાદ નિર્ણય લઇશું : નીતિન પટેલ

બિઝનેસ હેતુથી ગરબાને મંજૂરીની શકયતા નથી : મોટા પાયે આયોજન કરવા યોગ્ય નથી તેવો અભિપ્રાય નિષ્ણાંતોએ આપ્યો છે : રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી

ગાંધીનગર તા. ૩૦ : રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. પટેલે કહ્યું હતું કે આજની બેઠક બાદ અમને બાબરી વિધ્વંસના ચુકાદાનો કોર્ટે જે નિર્ણય કર્યો છે તે અંગે જાણીને ખુશી થઈ છે. નીતિન પટેલે આ પ્રેસ કોન્ફરન્સમાં નવરાત્રિ અંગે મોટું નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું છે કે નવરાત્રિના આયોજન અંગે રાજયસરકારનું સ્ટેન્ડ ખૂબ કિલયર છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે 'આજે ભારત સરકાર દ્વારા અનલોકની નવી ગાઇડલાઇન જાહેર થશે. ગુજરાત સરકાર ભારત સરકારની ગાઇડલાઇનને અનુસરી અને તેમાં કેટલી છૂટ આપવી જોઈએ તે નિર્ણય કરશે. આ વર્ષે નવરાત્રિના આયોજન અંગે રાજય સરકારનું સ્ટેન્ડ ખૂબ કિલયર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ જાહેરાત કરીને કહ્યું હતું કે અમદાવાદમાં યોજાતા રાજય સરકારના વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને મોકૂફ રાખવામાં આવશે.'

નીતિન પટેલે ઉમેર્યુ કે 'આ વર્ષે બિઝનેસ હેતુથી યોજાતા પાર્ટી પ્લોટનાં કે અન્ય મોટા આયોજનની દૃષ્ટીએ સરકાર તરફથી મંજૂરી નહીં મળે. જોકે, અન્ય મોટા આયોજનો અંગે આયોજકોએ સામેથી જ આયોજન ન કરવાનો નિર્ણય કર્યો છે. રાજયમાં ગરબા યોજાવા જોઈએ કે નહીં તે અંગે અમે નિષ્ણાતોના અને તબીબો સાથે નાગરિકોના મત લીધા હતા. આમાં નિષ્ણાતોનો અભિપ્રાય એવો છે કે સરકારે ગરબાનું આયોજન કરવાની પરવાનગી આપવી ન જોઈએ.'

નીતિન પટેલે ઉમેર્યુ કે 'મોટા આયોજનો શકય નથી ત્યારે લોકો માતાજીની આસ્થા અને ભકિત માટે શેરીમાં જે ગરબીઓ કરે છે, તેમને કઈ રીતે પરવાનગી આપી શકાય કે આવા આયોજનો મર્યાદિત સંખ્યામાં કેવી રીતે યોજી શકાય તે અંગે હજુ કોઈ નિર્ણય કરાયો નથી. અમે સરકારની બેઠકમાં આ વિષય મૂકીને તે અંગે યોગ્ય નિર્ણય કરીશું.'

નીતિન પટેલે આ અંગે કહ્યું કે આજે કોર્ટે બાબરી મસ્જીદના વિધ્વંસ કેસમાં જે ચુકાદો આપ્યો છે તેમાં અમારા શિર્ષ નેતાઓ નિર્દોષ છુટ્યા છે. આ ચુકાદાના કારણે અમને ખુશી છે. અમે કોર્ટના ચુકાદાનું સ્વાગત કરીએ છીએ.

(3:02 pm IST)