Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સિંધુખીણની સભ્યતાનો સોનેરી વારસો, જે પ્રવાસીઓને ખેંચી લાવે છે ગુજરાત

ભુજથી ૨૦૦ કિ.મી. ઉત્તરમાં છે ખડીરબેટ, જયાં વસેલુ છે, ધોળાવીરઃ આ સ્થળને નિહાળીને કોણ કહી શકે કે પાંચ હજાર વર્ષ પહેલા અહિ વિશ્વના સૌથી વિકસીત શહેરોમાંનુ એક શહેર વસેલુ હશે

 (કેતનખત્રી) અમદાવાદઃ પર્યટન થકી સમગ્ર વિશ્વને જોડવાનો દિવસ એટલે વિશ્વ પ્રવાસન દિવસ. ૮૦ના દાયકાથી જ દર વર્ષે ૨૭મી સપ્ટેમ્બરના રોજ દુનિયા ભરમાં વિશ્વ પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે.સદીઓ થી ભારત પોતાની પ્રાચીન સિંધુખીણની સભ્યતા અને અતુલ્ય સાંસ્કૃતિક વારસાને લીધે દુનિયા ભરના પ્રવાસ રસિકોને આકર્ષતું રહ્યું છે. વિશ્વ આખું જયારે પર્યટનના સાંસ્કૃતિક મૂલ્યને સમજી રહ્યું છે ત્યારે આપણાં આંગણે આવેલા વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતીના જીવતા જાગતા ઉદાહરણ સમા લોથલ અને ધોળાવીરાની વાત કરવી જ રહી. લોથલ અને ધોળાવીરા સિન્ધુખીણની સભ્યતાના આદિકાળથી લઈ તેના કરુણ અંત સુધીના સાક્ષી રહ્યા છે. સિંધુખીણની સભ્યતાના સુવર્ણ ઇતિહાસને ગુજરાત આજે પણ સાચવીને બેઠું છે અને આથી જ નગર વ્યવસ્થાના બેજોડ ઉદાહરણોને જોવા દુનિયા ભરના પ્રવાસીઓ અહીં આવતા હોય છે.

હજારો વર્ષો પહેલા, વિશ્વની દરેક સભ્યતાની જેમ સિંધુ નદીની આસપાસ એક પ્રાચીન સભ્યતાનું અંકુર ફૂટ્યું અને જે પાછળથી સિંધુખીણની સભ્યતા તરીકે પ્રસિદ્ઘ થઈ. આ સભ્યતા પ્રાચીન વિશ્વની સૌથી વિકસિત સભ્યતા હતી, જેના અવશેષો આજે પણ અફદ્યાનિસ્તાનથી લઇ ગુજરાત સુધી જોવા મળે છે. આમ તો, ભારતમાં ઘણી જગ્યાએથી સિંધુખીણના અવશેષો જોવા મળે છે,  પણ ગુજરાતના ધોળાવીરા અને લોથલ બીજી આર્કિયોલોજિકલ સાઇટ્સથી અનેક રીતે અલગ પડે છે. કહેવાય છે સિન્ધુખીણની સભ્યતા તેના આરંભથી અંત સુધી ૭ તબક્કાઓ માંથી પસાર થઈ હતી. લોથલ અને ધોળાવીરા સભ્યતાના દરેક તબક્કાની યાદોને સંજોવીને બેઠા છે, દ્યણા ઓછા એવા પ્રાચીન સ્થળો હોય છે જે સભ્યતાના દરેક તબક્કામાંથી પસાર થયા હોય. ગુજરાતના કચ્છમાં આવેલ ધોળાવીરામાં હજારો વર્ષ જુના નગરના, જયારે લોથલમાં એક વિકસિત વ્યાપારિક કેન્દ્રના પુરાવા મળેલ છે, જે આ સ્થળોને બીજી સિન્ધુખીણની સાઇટ્સથી અલગ પાડે છે. આ શહેરો પોતાના સમયના સૌથી આધુનિક નગરો તરીકે ઓળખાતા હતા, જયાં બહુમાળી મકાનો, સીવેજ પ્રણાલી, જળ વ્યવસ્થાપન અને વિકસિત બંદર જેવી અનેક સુવિધાઓ અસ્તિત્વમાં હતી. ધોળાવીરા ભારતમાં આવેલ બે સૌથી મોટી હડપ્પા સંસ્કૃતિની સાઇટ્સમાંની એક છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ૧૯૬૭માં આ પુરાતત્વીય સ્થળની શોધ કરવામાં આવી હતી જેનું કામકાજ ૯૦ના દાયકા સુધી ચાલતું રહ્યું. ભુજથી આશરે ૨૦૦ કિલોમીટર ઉત્ત્।રમાં આવેલો છે ખડીરબેટ, જયાં વસેલું છે ધોળાવીરા. આ સ્થળને જોઈને કોણ કહી શકે કે ૫૦૦૦ વર્ષ પહેલા અહીં વિશ્વના સૌથી વિકસિત શહેરોમાંનું એક શહેર વસેલું હશે.

હડપ્પા સંસ્કૃતિ તેના આગવી 'ટાઉન પ્લાનિંગ' વ્યવસ્થા માટે જાણીતી હતી અને તેના પુરાવા મળે છે ધોળાવીરા ખાતેથી. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે આ ધોળાવીરામાં હજારો વર્ષ પહેલાં જળ વ્યવસ્થાપનની અદભુત પ્રણાલી વિકસાવવામાં આવી હતી. ગ્રાઉન્ડ રડાર ટેકનોલોજીના સ્કેનિંગ વડે જાણવાં મળ્યું હતું કે ધોળાવીરામાં ડેમ, નહેર, જળાશયો, વાવ અને કૂવાના નેટવર્ક વડે પાણીની બેજોડ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

(2:53 pm IST)