Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ભવિષ્યમાં પણ કોરોના જેવી મહામારીથી બચવા આપણે આપણી જીવનશૈલી બદલવી પડશે

દરેક જીવ સાથે કરૂણા અને પ્રેમનો વ્યવહાર કરવો પડશે : ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક ડો. જૈન

અમદાવાદ તા. ૩૦ : ઇસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડો. રાજમલ જૈને કહ્યું કે આપણે દરેક જીવ સાથે કરૂણા અને પ્રેમનો વ્યવહાર કરવો જોઇએ. જો આપણે આ ધરતી પર જીવીત રહેવા માંગતા હોઇએ અને ભવિષ્યમાં કોરોના જેવી મહામારીથી બચવું હોય તો આપણે પોતાની જીવનશૈલી બદલાવવી પડશે.

વિજ્ઞાન અને આધ્યાત્મિક અનુસંધાન સંસ્થાનોના સંયુકત તત્વાવધાનમાં વિશ્વ અહિંસા દિવસ અભિયાન હેઠળ છ દિવસના વેબીનારમાં ગઇકાલે તેમણે આ વાત કહી હતી. ડો. જૈને કહ્યું કે એ વાત સર્વવિદીત છે કે આ બ્રહ્માંડમાં પ્રત્યેક સ્થાન પર જીવ છે, ત્યાં સુધી કે જૈન દર્શનમાં, પર્યાવરણના પાંચે તત્વો એટલે કે આકાશ, જળ, વાયુ, પૃથ્વી અને અગ્નીને પણ જીવ ગણાવાયા છે. દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે આપણે આપણા લોભ, લાલચ અને અહંકારમાં એ તથ્યો પણ ભૂલી જઇએ છીએ કે આ જીવો આપણા દુશ્મન નહીં પણ મિત્રો છે. પ્રત્યેક જીવ આપણી પૃથ્વી, મનુષ્ય અને જળવાયુ એટલે કે બાયો ડાયવર્સીટીના સંતુલન માટે જરૂરી છે.

આ વાત જાણતા હોવા છતાં પણ માણસજાતે અન્ય જીવોના નાશનું નક્કી કરી લીધું છે. દર વર્ષે લગભગ ૫૮૦૦ કરોડ ટન જાનવર, ૩૦ કરોડ માછલીઓ અને ૧૪ કરોડ મુરઘીઓ તથા અગણિત કરોડો અન્ય પ્રજાતિઓને ભોજન માટે મારી નખાય છે. તેમણે કહ્યું કે, આપણે દરેક જીવ સાથે કરૂણા અને પ્રેમનો વ્યવહાર કરવો પડશે. જો આપણે આ ધરતી પર જીવિત રહેવું હશે અને ભવિષ્યમાં કોરોના જેવી અન્ય મહામારીઓથી બચવું હશે તો આપણે આપણી જીવનશૈલી બદલવી પડશે.

(2:52 pm IST)