Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સુરત મનપા સંચાલિત શાળાની શિક્ષિકાનો આપઘાત :તબીબ પતિ સામે ફરિયાદ દાખલ

પતિ-પત્ની વચ્ચે ઝઘડા-ઘરકંકાસથી કંટાળી આપઘાત કર્યાની આશંકા

સુરત: શહેરના ડીંડોલી વિસ્તારના કરાડવા રોડ પર રહેતી અને સુરત મહાનગર પાલિકાની સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા એક મહિલા શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો છે. આ મામલે પોલીસે શિક્ષિકાના પતિ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

 પ્રયોશા પાર્કમાં રહેતા અને મનપાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષાલીબેન કિરણભાઇ સોનવણેના પતિ તબીબ છે.થોડા સમયથી શિક્ષિકા અને તબીબ પતિ વચ્ચે ઘરકંકાસ ચાલી રહ્યો હતો. બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. રોજ રોજના ઝઘડાથી મહિલા કંટાળી ગઈ હતી. થોડા દિવસ પહેલા મહિલાનો પતિ તેના વતન મહારાષ્ટ્રાના ચોપરા ખાતે ગયો હતો. આ દરમિયાન હર્ષાલીબેન તેના દોઢ વર્ષના પુત્ર સાથે ઘરે એકલી હતી. મહિલાના માતા-પિતા ડીંડોલી વિસ્તારમાં મધુરમ સર્કલ પાસે રહે છે. તેઓ બંને નિવૃત શિક્ષક છે.
સોમવારે સવારે હર્ષાલીબેનના પિતા બાળકને રમાડવા માટે લઇને તેમના ઘરે ગયા હતા. બપોરે તેમના પિતા બાળકને મૂકવા ઘરે આવ્યા ત્યારે આગળનો દરવાજો બંધ હતો. પાછળના ભાગે જોવા જતા પાછળનો દરવાજો ખુલ્લો હતો. અહીંથી તેમના પિતા પહેલા માળે રૂમમાં ગયા હતા. અહીં દીકરીને છતના પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા તેઓ હેબતાઇ ગયા હતા.
બાદમાં તેમણે બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. જે બાદ પોલીસેને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને ઉતારીને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અહીં તબીબોએ શિક્ષિકાને મૃત જાહેર કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મૃતક હર્ષાલીબેન કિરણભાઇ સોનવણે લીંબાયત વિસ્તારમાં આવેલી પાલિકાની શાળામાં શિક્ષિકા હતા. તેમના પતિ પાંડેસરા વિસ્તારમાં ક્લિનિક ધરાવે છે. મહિલાના માતાપિતાએ પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલતા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે તેમની દીકરીએ આ પગલું ભર્યાની જાણકારી પોલીસને આપી હતી

(1:30 pm IST)