Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સુરત લોન કૌભાંડઃ બીઓબીના સિનિયર મેનેજર સહિત 57 વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ

નવયુગ કોલેજ અને ડુમસ બ્રાંચમાં 10.62 કરોડના કૌભાંડ બાદ હવે મોટા વરાછા અને મગદલ્લા બ્રાંચમાં રૂપિયા 9.52 કરોડનું કૌભાંડ સામે આવતા ખળભળાટ

સુરત : શહેરની બેન્ક ઓફ બરોડાની મોટા વરાછા અને મગદલ્લા બ્રાન્ચમાં લોન કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે બેન્ક ઓફ બરોડાના સિનિયર મેનેજર, લોન એજન્ટ સહિત 57 વિરુદ્ઘ ઠગાઈની ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધાઈ છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, સુરતના રાંદેર રોડ સ્થિત બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ અને બેન્ક ઓફ બરોડાની નવયુગ કોલેજ બ્રાન્ચમાં વિવિધ સરકારી યોજનાના નામે રૂ.2.28 કરોડની લોન લઈને ભરપાઈ નહીં કરી આચવામાં આવેલું કૌભાંડ આંતરીક તપાસમાં બહાર આવ્યું હતું. આ અંગેની ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધાઈ હતી. જોકે, આ મામલે વધુ તપાસ કરતા આવી રીતે બેન્ક ઓફ બરોડાની ડુમસ બ્રાન્ચમાં પણ રૂ.8.31 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું.

ત્યારબાદ તપાસમાં આ કૌભાંડના તાર મોટા વરાછા અને મગદલ્લા બ્રાન્ચ સુધી પહોંચ્યા હતા. બેન્ક ઓફ બરોડાની મોટા વરાછા બ્રાન્ચમાંથી રૂ.4.49 કરોડ અને મગદલ્લા બ્રાન્ચમાંથી રૂ.5.03 કરોડનું લોન કૌભાંડ આચર્યાનું તપાસમાં બહાર આવ્યું છે. જેથી આ મામલે બેન્ક ઓફ બરોડાના સિનિયર મેનેજર, લોન એજન્ટ સહિત 57 વિરુદ્ઘ ઠગાઈની ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધાઈ છે.

સીઆઇડી ક્રાઇમે જણાવ્યું કે તપાસમાં સામે આવ્યું છે કે, આ કૌભાંડમાં પણ મુખ્ય સૂત્રધાર લોન કન્સલ્ટીંગ એજન્ટ નિલેશ વાઘેલા, ઝીરોમેક્ષ ઇન્ડસ્ટ્રીઝ, વી.એમ.એન્ટરપ્રાઇઝ, હાઈબોન્ડ એન્જીનીયરીંગ, સુપ્લેક્ષ એન્જીનીયરીંગના પ્રોપ્રાયટર ભરતભાઈ વાઘજીભાઈ અકબરી, તપોવન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર સંદીપ બાબુભાઈ ઘાડીયા અને 48 લોનધારકોએ વર્ષ 2016થી 2018 દરમિયાન બોગસ ક્વોટેશન લેટર બનાવી લોન લેનારાઓના બોગસ દસ્તાવેજો તૈયાર કરી બેન્કમાં રજૂ કર્યા હતા. તે દસ્તાવેજોની પૂરતી ચકાસણી કર્યા વિના આરબીઆઇના વિવિધ નિયમોને અવગણી તત્કાલીન સિનિયર મેનેજર રાજેશ ડી. પરમારે લોન મંજૂર કરી હતી.

(1:21 pm IST)