Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ભરતસિંહ સોલંકીએ રેકોર્ડ સજર્યો

૧૦૧ દિવસ હોસ્પિટલમાં રહી કોરોનાની ટ્રીટમેન્ટ લેનાર એશિયાના પ્રથમ દર્દી

આવતીકાલે હોસ્પિટલમાં ૧૦૨ દિવસ પૂરા કરશેઃ આ દરમિયાન ૫૧ દિવસ તેઓએ વેન્ટિલેટર પર વિતાવ્યા હતા : ઈન્જેકશન બાદ હજી પણ રોજનો તેમનો ૨૨ દવાઓનો કોર્સ ચાલુ છે

અમદાવાદ, તા.૩૦: કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાના દર્દીનો રેકોર્ડ તોડ્યો છે. તેઓ કોરોના માટે હોસ્પિટલમાં લાંબો સમય સુધી સારવાર લેનાર એશિયાના પ્રથમ દર્દી બન્યા છે. આવતીકાલે ભરતસિંહ સોલંકી ને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાના છે. જેથી તેઓના હોસ્પિટલમાં આવતીકાલે ૧૦૨ દિવસ પૂરા થશે. ભરતસિંહ સોલંકીને આવતીકાલે સવારે ૧૦.૩૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે સીમ્સ હોસ્પિટલમાંથી રજા અપાશે. ત્યારે આજે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત સોલંકી તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેઓને મળવા પહોંચ્યા હતા.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી કોરોનાગ્રસ્ત થયા બાદ લાંબા સમયથી સીમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. કોરોના પોઝિટિવ આવ્યા બાદ વડોદરા અને ત્યાથી સીમ્સમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ત્યારે હવે ભરતસિંહ સોલંકી Longest treated covid patient બન્યા છે. જેઓએ આવતીકાલે હોસ્પિટલમાં ૧૦૨ દિવસ પૂરા કરશે. આ દરમિયાન ૫૧ દિવસ તેઓએ વેન્ટિલેટર પર વિતાવ્યા હતા. આખરે ભરતસિંહ સોલંકીને ગુરુવારે રજા અપાશે. ત્યારે સીમ્સ હોસ્પિટલ દ્વારા દાવો કરાયો કે, ભરતસિંહે ભારત અને એશિયામાં સૌથી લાંબો સમય કોવિડની સારવાર લીધી છે. ૧૦૧ દિવસ સુધી તેમની સારવાર ચાલી હતી. હવે તેમની તબિયત સુધારા પર છે. જોકે, ઈન્જેકશન બાદ હજી પણ રોજનો તેમનો ૨૨ દવાઓનો કોર્સ ચાલુ છે.

કોરોના બાદ તબિયત વધુ કથળી

ભરતસિંહ સોલંકી રાજયસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતા. ઈલેકશન પૂરુ થયા બાદ તેઓની તબિયત ખરાબ થઈ હતી. જેથી તેઓના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. ૨૧ જૂનના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓને પ્લાઝમા થેરેપી પણ આપવામાં આવી હતી. પરંતુ તેના બાદ તેમનું ઓકિસજન લેવલ ઘટવા લાગ્યું હતું. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેઓને વેન્ટીલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેઓને અસ્થમાની પણ તકલીફ હોવાથી અને ફેફસામાં સંક્રમણને પગલે ઓકિસજન લેવલ પણ વારંવાર ઘટી જતું હતું. જેથી તેઓને ઓકિસજન આપવામાં આવી રહ્યું છે. પરંતુ તેઓની તબિયત એટલી નાજુક હતી કે, ૯૦ ટકા ઓકિસજન વેન્ટીલેટર થકી અપાઇ રહ્યું હતું. ભરતસિંહના હાર્ટ, કીડની સહિતના અન્ય અંગો સામાન્ય રીતે કાર્ય કરી રહ્યાં હતા, પણ ફેફસાં વધારે પડતાં નબળાં હોવાથી ઉપરના ઓકિસજનની જરૂરિયાત વધી હતી. જેથી તેઓની તબિયત થોડી ક્રિટીકલ બની હતી.

(3:52 pm IST)