Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

બનાસકાંઠાના ભાભરમાં ૮ ઇંચ વધુ વરસાદ : સર્વત્ર પાણી પાણી

ગુજરાતમાં ચોમાસુ અતિવૃષ્ટિની તરફ વધતા ચિંતાનું મોજુ ફેલાયું : સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના પંથકોમાં ભારે વરસાદ : પોરબંદરના અનેક પંથકોમાં દસ ફુટ પાણી : એનડીઆરએફ ટીમોને બચાવ કામગીરીમાં

અમદાવાદ,તા. ૩૦ : ગુજરાતમાં આ વર્ષે ચોમાસું અતિવૃષ્ટિની સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક પંથકોમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ પડી ચૂકયો છે અને હજુ વરસી રહ્યો છે, તેથી આ મેઘકહેરના કારણે હવે રાજયના આ પંથકોમાં લીલા દુષ્કાળની સ્થિતિ બની છે. રાજ્યના ૧૮૭ તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચથી વધુ વરસાદ થયો છે. સતલાસણા તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યના ૧૭ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. બીજી બાજુ છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં આભ ફાટયુ હોય એમ ૧૩ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. તો, પોરબંદરમાં પણ અતિ ભારે વરસાદ વરસ્યો હતો. પોરબંદરના ઘેડ, કલ્યાણપુરા સહિતના અનેક પંથકો દસ ફુટથી વધુ પાણીમાં ગરકાવ બન્યા છે.

                જેના કારણે એનડીઆરએફની ટીમોને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવાની ફરજ પડી હતી. હજુ બે દિવસ સુધી સૌરાષ્ટ્રમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છેત્યારે ગત રાતથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. પોરબંદરમાં આજે વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વીજળીના ભયાનક કડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે રાણાવાવમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.  તો, રાજકોટ, સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા. દ્વારકાના યાત્રાધામ હર્ષદમાં ભારે વરસાદથી હર્ષદ માતાજીના મંદિરમાં ચારથી ૫ાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. જાંમનગર જિલ્લાને બાનમાં લીધો હોય તેમ છેલ્લા ૨૪ કલાકમાં ચારથી ૧૪ ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તેમજ ખેડૂતોના પાકને નુકસાન થતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કલ્યાણપુર તાલુકાના સાતાપર ગામ પાસે આવેલ સિંધણી ડેમ ઓવરફ્લો થતા અનેક સ્થળોએ પાણી ઘૂસી ગયા હતા.

              નીચાણવાળા હર્ષદ, ગાંધવી, દેવળીયા સહિતના ગામોના લોકોને સાબદા કરી અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાયા હતા.  ડેમ ઓવરફ્લો થતા સતાપર ગામ સંપર્કવિહોણું બન્યું હતુ. ભારે વરસાદથી ગામડાઓ ટાપુમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. યાત્રાધામ હર્ષદમાં અનેક દુકાનોમાં પાણી ઘૂસવાથી મોટુ નુકસાન પહોંચ્યું છે. હર્ષદ માતાજીના મંદિર ખાતે આવતા યાત્રાળુ દર્શન કર્યા વગર પરત ફર્યા હતા. એસટી બસને અંદર જવાની મનાઈ છે. ભાણવડ તાલુકાના સાઈદેવળીયા ગામ પાસે આવેલા વેરાળી નં. ૨ ડેમ ઓવરફ્લો થતા સાઈદેવળીયા ગામ તથા ભાણવડ ગામના લોકોને સાબદાં કરાયા હતા. બીજીબાજુ, જૂનાગઢ અને કેશોદમાં રાતથી સવાર સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માંગરોળમાં ફુલરાયા ગામ બેટમાં ફરવાયું હતું. તરસાલી ગામમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા. દંધુસર ગામની ઉબેણ નદીમાં એક રિક્ષા અને બાઇક તણાતા ચાર વ્યક્તિ ફસાયા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન કરી ચારેયને બચાવી લીધા હતા. કુતિયાણાથી પસવારી જતા વાડી વિસ્તારમાં સાત લોકો ફસાયા હતા. જેને એનડીઆરએફની ટીમે બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા. તાલાલામાં વધુ ત્રણ ઇંચ, કોડીનારમાં ત્રણ ઇંચ અને સુત્રાપાડામાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ખાંભા પંથકમાં પણ જોરદાર વરસાદના પગલે ખાંભાની ધતારવાડી નદીમાં આ વર્ષે બીજી વખત ઘોડાપુર આવ્યું હતું. આ ઉપરાંત નાનુડી નદી, પીપળવા રોડ પંપ હાઉસ નજીક આવેલી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. આ સાથે જ ગામના નાના નાના ચેકડેમો અને તળાવો વરસાદી પાણીથી છલોછલ થઈ ગયા હતા.  ઉનાનાં ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદને લઇ રાવલ નદીમાં ઐતિહાસિક ઘોડાપુર આવ્યું હતું. અમરેલી પંથકમાં પણ ગઈકાલથી મેઘરાજાએ જોરદાર જમાવટ કરી હતી. બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપુર આવ્યું હતું. બાબરા પંથકના ચમારડી, ચરખા, ઘૂઘરાલા સહિતના મોટાભાગનાં ગામડામાંઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. બીજીબાજુ, આજે પણ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે અને તોફાની વરસાદ પડ્યો હતો. સુરતના ચોર્યાસી તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબકયો હતો. જેને પગલે સમગ્ર પંથકના વિસ્તારોમાં ભારે પાણી ભરાઇ ગયા હતા.

             તો, ઉધના વિસ્તારમાં પણ ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો, આજે ઉત્તર ગુજરાતના પંથકોમાં પણ મેઘરાજાએ આજે જોરદાર જમાવટ કરી હતી, જેના કારણે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. બનાસકાંઠાના ભાભરમાં ૨૪ કલાકમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આજે નવરાત્રિના બીજા દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. આજે સુરત, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે આ પંથકોમાં રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તો, નીચાણવાળા વિસ્તારો પણ બેથી ત્રણ ફુટ સુધીના પાણી ભરાઇ ગયા હતા. સુરતમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં યોજાનારી નવરાત્રિ બીજા દિવસે પણ બંધ રહે તેની સ્થિતિનું નિર્માણ થતાં આયોજકોએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે ગ્રાઉન્ડ પર પાણી સુકાય તે અગાઉ ફરી વરસાદ પડતાં આજના દિવસનું આયોજન પણ રદ્દ કરવું પડે તેવી સ્થિતી ઉભી થઈ છે. ખાસ કરીને ખૈલેયાઓમાં ભારે નિરાશા છવાઇ ગઇ છે. દરમ્યાન દક્ષિણ ગુજરાતની જેમ ઉત્તર ગુજરાતમાં પણ આજે મેઘરાજાએ જોરદાર જમાવટ ચાલુ રાખી હતી.

             ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, બાયડ, માલપુર, ધનસુરા સહિતના પંથકોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. જેના કારણે ઉત્તર ગુજરાતના પંથકોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીરની આવક વધી હતી. બનાસકાંઠાના ભાભર તાલુકા પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ભાભર શહેરના લાટી બજાર, ખાડિયા વિસ્તાર, આઝાદ ચોક, વાવ રોડ સહિતના વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઇ ગયા હતા. આજે પાંચ કલાકમાં જ પાંચ ઇઁચથી વધુ વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તાર ઉંડા પાણીમાં ગરકાવ બન્યો હતો. આ જ પ્રકારે કાંકરેજ તાલુકાના થરા સહિતના પંથકોમાં છેલ્લા બે દિનથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે.

(9:16 pm IST)