Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

રાજ્યમાં સિઝનનો ૧૩૭ ટકા વરસાદ પડ્યો : કચ્છમાં ૧૭૨

રાજયના ચારેય ઝોનમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ : રાજયમાં સાર્વત્રિક અને વધુ પડતા સારા વરસાદના કારણે મોટાભાગના જળાશયો, નદી-નાળા સંપૂર્ણપણે છલકાયા

અમદાવાદ, તા.૩૦ : ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વધુ પડતુ સારૂ બની રહ્યું છે અને હજુ પણ મેઘકહેર જારી રહેતાં રાજયમાં અતિવૃષ્ટિની ચિંતા હવે ઉભી થઇ છે. ગુજરાત રાજ્યમાં આ વખતે સીઝનનો કુલ ૧૩૭ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. આ વર્ષે રાજયના ચારેય ઝોનમાં ૧૦૦ ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે ચારેય ઝોન સિવાય અલગ કચ્છ ઝોનમાં ૧૭૨ ટકા વરસાદ ખાબક્યો છે અને હજુ જિલ્લામાં વરસાદી માહોલ છે. રાજયભરમાં સાર્વત્રિક અને વધુ પડતા સારા વરસાદના કારણે રાજયના મોટાભાગના જળાશયો, નદી-નાળા છલકાયા છે અને આ વખતે વરસાદી નીરની નોંધપાત્ર આવક નોધાઇ છે. કંડલાથી ૪૦ કિમી ઉત્તર-પૂર્વમાં ડિપ્રેશન સર્જાતાં ગુજરાતમાં ભારેથી અતિભાર પડી શકે છે. ડિપ્રેશન પ્રતિકલાકે ૫ કિમીની ગતિએ આગળ વધી રહ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે.

             હાલ રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો ૧૩૬.૬૬ ટકા વરસાદ નોંધાયો છે. રાજયમાં વરસાદી સીસ્ટમ સક્રિય હોવાના કારણે હજુ ૪૮ કલાક અતિશય ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. છેલ્લાં ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ૩૨૮ મી.મી. એટલે કે, ૧૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ઉપરાંત જામજોધપુરમાં ૨૧૭ મી.મી., કલ્યાણપુરમાં ૧૯૩ મી.મી., જામકંડોરણામાં ૧૮૫ મી.મી., રાપરમાં ૧૬૫ મી.મી., ખંભાળીયામાં ૧૬૦ મી.મી., લોધિકામાં ૧૫૦ મી.મી., જોડિયામાં ૧૧૬ મી.મી., ભચાઉમાં ૧૧૫ મી.મી., ભેંસાણમાં ૧૧૦મી.મી., ગોંડલમાં ૧૦૯ મી.મી., અંજારમાં ૧૦૩ મી.મી., જૂનાગઢ અને જૂનાગઢ શહેરમાં ૧૦૨ મી.મી. અને રાજકોટ તાલુકામાં ૧૦૦ મી.મી. એટલે કે ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તે મુજબ રાજયના ૧૫ તાલુકાઓમાં ૪ ઈંચથી ૧૩ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આકંડા પર નજર કરીએ તો, ગુજરાતમાં કચ્છ ઝોનમાં મોસમનો સરેરાશ ૧૭૨.૪૪ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૦૬.૫૩ ટકા, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૨૪.૩૯ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં સરેરાશ ૧૪૪.૯૯ ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૪૨.૪૫ ટકા વરસાદ સાથે રાજ્યનો સરેરાશ વરસાદ ૧૩૬.૬૬ ટકા નોંધાયો છે.

વિવિધ ઝોનમાં વરસાદ

અમદાવાદ, તા. ૨૭ : ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વધુ પડતુ સારૂ બની રહ્યું છે અને હજુ પણ મેઘકહેર જારી રહેતાં રાજયમાં અતિવૃષ્ટિની ચિંતા હવે ઉભી થઇ છે. ગુજરાત રાજ્યમાં આ વખતે સીઝનનો કુલ ૧૩૭ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. આ વર્ષે રાજયના ચારેય ઝોનમાં ૧૦૦ ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે ચારેય ઝોન સિવાય અલગ કચ્છ ઝોનમાં ૧૭૨ ટકા વરસાદ ખાબક્યો છે અને હજુ જિલ્લામાં વરસાદી માહોલ છે. રાજયભરમાં સાર્વત્રિક અને વધુ પડતા સારા વરસાદના કારણે રાજયના મોટાભાગના જળાશયો, નદી-નાળા છલકાયા છે અને આ વખતે વરસાદી નીરની નોંધપાત્ર આવક નોધાઇ છે. વિવિધ ઝોનમાં વરસાદ નીચે મુજબ છે.

ઝોન......................................................... વરસાદ

કચ્છ...................................................... ૧૭૨ ટકા

દક્ષિણ ગુજરાત...................................... ૧૪૨ ટકા

સૌરાષ્ટ્ર.................................................. ૧૪૫ ટકા

મધ્ય ગુજરાત........................................ ૧૨૪ ટકા

ઉત્તર ગુજરાત........................................ ૧૦૬ ટકા

(9:19 pm IST)