Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અલ્પેશ ઠાકોરે વાજતે ગાજતે અંતે નામાંકનપત્ર દાખલ કર્યું

રાધનપુર વિધાનસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવી : ભાજપ પ્રદેશ અધ્યક્ષ વાઘાણીની ઉપસ્થિતિ : અન્યો દ્વારા પણ ઉમેદવારી દાખલ કરાઈ : ભાજપનો વિજય નિશ્ચિત

અમદાવાદ,તા.૩૦ : પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં રાધનપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અંતર્ગત ભાજપાના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે વાજતે ગાજતે ઢોલ-નગારા સાથે નામાંકન પત્ર દાખલ કર્યુ હતુ. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, કેબીનેટ મંત્રી દીલીપ ઠાકોર, સાંસદ ભરતસિંહ ડાભી, મંત્રી વાસણ આહિર, પૂર્વ મંત્રી રણછોડ રબારી તથા અરજણ રબારી સહિત પ્રદેશ અગ્રણીઓ તથા આગેવાનઓ ઉપસ્થિત રહ્યા હતા. અલ્પેશ ઠાકોરના નામાંકન પત્ર દાખલ કર્યા પૂર્વે વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ તથા સમર્થકોને સંબોધતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતની જનતાએ લોકસભામાં સતત બીજીવાર તમામ ૨૬ બેઠકો પર તથા ગુજરાતમાં ૧૯૯૫ થી સતત છ વાર ભાજપાની સરકાર બનાવી આશીર્વાદ આપ્યા છે. ગુજરાતની જનતા કોંગ્રેસની મેલીમુરાદ, જ્ઞાતિજાતિની ગંદી રાજનીતિ તથા કોંગ્રેસના ભ્રષ્ટાચારી નેતૃત્વને સુપેરે ઓળખી ચૂકી છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેશના વિકાસને સુનિશ્ચિત કરવાની સાથે સાથે દેશની સુરક્ષા, એકતા-અખંડિતતાને મજબૂત  બનાવતા નિર્ણયો લઇ રહ્યા છે.

           ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સંવેદનશીલ સરકાર રાજ્યના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા અવિરતપણે કાર્યરત છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમામ ૬ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં જનતાના આશીર્વાદથી ભાજપાનો ભવ્ય વિજય નિશ્ચિત છે. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌએ ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ખેરાલુ વિધાનસભા બેઠક માટે ભાજપાના ઉમેદવાર અજમલ ઠાકોરના નામાંકન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી વિભાવરી દવે તથા હરિ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. થરાદ વિધાનસભા બેઠક માટે ભાજપાના ઉમેદવાર જીવરાજ પટેલના નામાંકન પ્રસંગે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઈશ્વર પરમાર, ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા બનાસકાંઠાના સંગઠન પ્રભારી દુષ્યંત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

         બાયડ વિધાનસભા બેઠક માટે ભાજપાના ઉમેદવાર ધવલસિંહ ઝાલાના નામાંકન દાખલ કરવાના પ્રસંગે મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંત્રી રમણ પાટકર, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા તથા પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. લુણાવાડા વિધાનસભા બેઠક માટે ભાજપાના ઉમેદવાર જીગ્નેશ સેવકના નામાંકન પ્રસંગે મંત્રી સૌરભ પટેલ, મંત્રીઓ જયદ્રથસિંહ પરમાર, બચુ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. અમરાઈવાડી ખાતે ભાજપાના ઉમેદવાર જગદીશ પટેલના નામાંકન પ્રસંગે મંત્રી ફળદુ, કૌશિક પટેલ તથા પ્રદેશ ઉપાધ્યક્ષ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

(9:04 pm IST)