Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ફિટ ઇન્ડિયા ઝુંબેશ : કાલે ૨૬ કિમીની સાયકલ યાત્રા

ગાંધીનગરથી ગાંધી આશ્રમ સુધીની સાયકલ યાત્રા : સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશા સાથે વિશેષ સાયકલ યાત્રા : જીતુભાઇ વાઘાણી સાયકલ યાત્રાને પ્રસ્થાન કરાવશે

અમદાવાદ,તા.૩૦ : આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે પ્રદેશમંત્રી પ્રદિપસિંહ વાઘેલા, ભાજપા કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ બાબુભાઇ જેબલીયા તથા ભાજપા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. ઋત્વિજભાઇ પટેલે આવતીકાલે તારીખ ૧ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ યોજાનાર વિશિષ્ટ કાર્યક્રમ અંગે ઇલેકટ્રોનિક મીડિયાના મિત્રો સાથે વાતચીત કરી હતી. ભાજપા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. ઋત્વિજભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ''ફિટ ઇન્ડિયા'' કેમ્પેઇન, ''સ્વચ્છ ભારત અભિયાન'' તેમજ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે તારીખ ૧ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ સાઇકલ યાત્રા યોજાશે. જે સવારે ૭.૩૦ કલાકે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર થી અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમ (ગાંધી આશ્રમ) ખાતે ૧૦.૩૦ કલાકે પહોંચશે.

            કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની આગેવાની હેઠળની આશરે ૨૬ કિલોમીટર લાંબી સાયકલ યાત્રામા 'સ્વચ્છતા અભિયાન' તથા 'સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત'ના સંદેશ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો તથા નગરજનો ભાગ લેશે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી આ સાઇકલ યાત્રાને પ્રસ્થાન કરાવશે. આ સાઇકલ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સાથે આંખે પાટા બાંધીને વિવિધ રંગો ઓળખી બતાવનાર, સ્કુટર ચલાવનાર, સાયકલ ચલાવવામાં નિપૂર્ણ અને ૬ વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર જીત ત્રિવેદી પણ ૨૬ કિલોમીટર લાંબી આ સાયકલ યાત્રામાં આંખે પાટા બાંધીને ભાગ લેશે. ઇન્ડિયાઝ બ્લાઇન્ડ ફોલ્ડેડ વન્ડર બોય તરીકે ઓળખાતો જીત ત્રિવેદી આ ૨૬ કિલોમીટર સુધીની સમગ્ર સાયકલ યાત્રા દરમ્યાન આંખે પાટા બાંધીને-બંધ આંખે સાયકલ ચલાવી એક નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે તેમ ડૉ. ઋત્વિજ પટેલે જણાવ્યુ હતુ.

(9:00 pm IST)