Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સુરતમાં નવરાત્રીના મોટા આયોજનો માટે ૧૩ કરોડનો વિમો ઉતરાવ્યો

ભારે વરસાદ, કોઈ દુર્ઘટનાને પગલે અપાશે વિમા કવચ

સુરત,તા- ૩૦ : સુરત શહેરમાં મોટા ડોમમાં ગરબા રમવાનું કલ્ચર વધ્યું છે. વેસુ, પીપલોદ, અડાજણ, વરાછા વિસ્તાર મળીને કુલ એક ડઝનથી વધુ આયોજકો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવરાત્રિનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ત્યારે શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે નવરાત્રી પર્વનું ભવ્ય આયોજન કરનાર આયોજકોએ લાખો રૂપિયાના પ્રિમિયમ ભરીને સમગ્ર ઇવેન્ટ માટે વીમો ઉતારવવાનું શરૂ કર્યું છે. કોઈ મોટી ઘટના, રોગચાળા કે આફતના કારણે નવરાત્રિ રદ્દ થાય તો તેની સામે થનારા નુકશાનથી બચવા રૂ.૧૩ કરોડનો વીમો ઉતારવવામાં આવ્યો છે. આ ઉપરાંત કરોડો રૂપિયાના ખર્ચે નવ દિવસ ગરબાનું આયોજન કરનાર સંચાલકોએ કાર્યક્રમ સ્થળ, મોંઘા સાધનો, કલાકારો, ખેલૈયાઓ ઉપરાંત કાર્યક્રમમાં આવનારા દર્શકોને પણ વીમા સુરક્ષાથી આવરી લીધા છે.

હજુ પણ વરસાદ થંભવાનો નામ લઈ રહ્યો નથી. એવામાં આ વખતે વિવિધ મોટા ગ્રાઉન્ડ પર ડોમ તૈયાર કરીને નવરાત્રિ યોજાનારી છે. જોકે, અનિશ્યિત જોખમ સામે ટકી રહેવા માટે શહેરના મોટા આયોજકો હવે વીમો ઉતરાવતા થયા છે. સરસાણામાં ગરબાનું આયોજન કરનાર જી૯ તથા ક્રિષ્ણા ઇવેન્ટ દ્વારા લાખો રૂપિયાનું પ્રિમિયમ ભરીને ૯.૫ કરોડનો વીમો લેવામાં આવ્યો છે. જયારે સી.બી. પટેલ ગ્રાઉન્ડ પર નવરાત્રીના આયોજકોએ રૂ.૧૩ કરોડનો વીમો લીધો છે. આયોજકોએ નવરાત્રી આયોજનમાં સુરક્ષા વ્યવસ્થા માટે મોટી સંખ્યામાં કેમેરા, હજારોની સંખ્યામાં બાઉન્સર્સની વ્યવસ્થા કરી છે. નવરાત્રિ આયોજન સ્થળ પર મોંઘાદાટ સાધનો, હાઈ-ફાઈ મ્યૂઝિક સિસ્ટમ, ડેકોરેશન વગેરે પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોઈ છે. એવામાં અનિશ્યિત કારણોસર નવરાત્રિ રદ્દ થાય તો કરોડો રૂપિયાનું નુકશાન થઈ શકે છે.

(1:13 pm IST)