Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ માં પ્રથમ નવરાત્રીએ શ્રદ્ધાળુઓના ઘોડાપુર: દોઢ લાખથી ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું

ખાનગી વાહનોને ડુંગર ઉપર લઇ જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રીએ ભકતોનુ ઘોડાપુર ઉમટી પડયું હતું. રવિવારથી શરૂ થયેલાં આદ્યશક્તિની આરાધના પર્વ એવા આસો નવરાત્રીના પ્રથમ નોરતાએ દોઢ લાખ ઉપરાંત ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. શનિવાર તેમજ રવિવારની રજા હોવાથી પ્રથમ નોરતાએ ભક્તોનો અવિરત પ્રવાહ પાવાગઢ તરફ મોટા પ્રમાણમાં જતો જોવા મળતો હતો.

   પ્રથમ નવરાત્રીના રોજ વહેલી સવારે ચાર કલાકે નિજ મંદિરના દ્વાર ખોલી નાંખવામાં આવ્યાં હતાં. મંદિર ખુલતાની સાથે માતાજીના દર્શન માટે લોકોએ પડાપડી કરી હતી. શ્રધ્ધાળુઓ શિસ્તબધ્ધ રીતે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હતા. આસો નવરાત્રી દરમિયાન ખાનગી વાહનોને ડુંગર ઉપર લઇ જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. જેના કારણે માંચી સુધી એસટી બસોની સુવિધા ઉભી કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં ઉમટી પડેલા શ્રધ્ધાળુઓને આરોગ્ય સહિતની માળખાકીય સુવિધાઓ વહીવટીતંત્ર તરફથી પુરી પાડવામાં આવી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો

(12:40 pm IST)