Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સિરીયલ કિલર મિલને ભાવનગર-અમરેલી જિલ્લામાં પાંચ-પાંચ હત્યા અને લૂંટો કરેલ

મહુવાના બે સોની પ્રણવ મહેતા અને મિહીર મહેતાની અટકઃ અમરેલી એસઓજી ટીમની મહત્વની ભૂમિકાઃ ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવ સાથે અકિલાની વાતચીતઃ કપાસના દલાલ એવો આ આરોપી રેકી કરી ક્રૂરતાથી હત્યાઓ કરતોઃ કૌટુંબીક કાકી અને ફઈને ત્યાં પણ ચોરીઓ કરેલઃ ૧૮ વર્ષ પહેલાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવીઃ હત્યા કર્યા બાદ સોનાની એક વસ્તુ નિશાની તરીકે રાખતોઃ ક્રૂરતાની પરાકાષ્ટા સમી હોરર ફિલ્મથી ચડીયાતી સત્ય ઘટના

રાજકોટ, તા. ૩૦ :. સાવરકુંડલા તાબાના હાટીડા ગામે વૃદ્ધનું ખૂન કરી લૂંટ કરનાર સિરીયલ કિલર કપાસનો દલાલ મિલન ભકાભાઈ (રહે. સેંદરડા બસ સ્ટેન્ડ પાસે-મહુવા)ને અમરેલી એસઓજી ગ્રુપે ઝડપી લઈ પાંચ વણશોધી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યાનું ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું. ભાવનગર રેન્જ હેઠળના ભાવનગર તથા અમરેલી જિલ્લામાં મર્ડર વિથ લૂંટની ઘટનાઓ બનતા રેન્જ વડા અશોકકુમાર યાદવે એલસીબી, એસઓજી સહિતની ટીમોને પ્રથમ આ હત્યાઓનો ભેદ ખોલવા રૂબરૂ બોલાવી તાકિદ આપવા સાથે ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન આપેલ. જે આધારે અમરેલી એસપી નિર્લિત રાય તથા એસઓજી પીએસઆઈ આર.કે. કરમટા તથા ટીમે એક સપ્તાહ અગાઉની હત્યાનો ભેદ ખોલી રેન્જ વડાના માર્ગદર્શન હેઠળ આગવી ઢબે પૂછપરછ કરતા જ પાંચ - પાંચ હત્યાનો ભેદ ખુલવા પામ્યો છે.

ગત તા. ૨૪ના રોજ જાનબાઈબેન નરસીભાઈ ઘોડાદરા નામની વૃદ્ધા ઘેર એકલા હતા ત્યારે તેમને દોરી વડે ગળેટૂંપો દઈ સોનાની કડીઓ નંગ ૬, સોનાની નખલી-૧, સોનાનો નાકનો દાણો-૧ સહિત સોનાની કિંમતી વસ્તુઓ ઉઠાવી નાસી ગયેલ. પોલીસે વિવિધ ટીમો કામે લગાડી હતી.

આરોપી મિલન રાઠોડે વિવિધ હત્યાઓની કબુલાત આપી છે. તેમા સાવરકુંડલાના હાટીડા સહિત મહુવા તાબાના લોયંગા ગામે વૃદ્ધાનું દોરી વડે ગળે ટુંપો આપી મોત, સોનાની ૬ કડીઓ, કાનમા પહેરવાની બુટીઓ, નખલી વગેરે મળી ૪૫૦૦ રૂ.ની લૂંટ આ સાથે મહુવા તાલુકામાં જ દેવગડા ગામના લીલુબેન નામની મહિલાની હત્યા કરી સોનાની બુટી, કાનની સર વગેરે લૂંટી હત્યા કરેલી.

અકિલા સાથેની વાતચીતમાં રેન્જ વડા અશોકકુમાર યાદવે જણાવેલ કે, મહુવા તાલુકાના સેંદરડા ગામના ગોવિંદભાઈ હડીયા પાસેથી આરોપીએ પ્રથમ ૬૦ હજાર તથા ત્યાર બાદ ૪૦ હજાર વ્યાજે લીધા હોય તે રૂપિયા પરત ન આપવા પડે તે માટે હત્યા કરેલ. આ સિવાય ૧૭ - ૧૮ વર્ષ પહેલા ભાવનગર જિલ્લાના સેંદરડાના કુટુંબીક કાકી શાંતાબેનની પણ હત્યા કરી ૫૦૦૦ રૂ. કાઢી લીધેલા. આમ પકડાયેલ સિરીયલ કિલરે ભાવનગર તથા અમરેલી જિલ્લા વિસ્તારમાં હત્યાઓ કરી અને લૂંટમાં મેળવેલ સોનાના દાગીનાનું વેચાણ કરેલ.

આરોપીએ આ સિવાય પોતાના જ ગામની બાવાજીની દિકરીની સોનાનુ બુટી, પોતાના ફઈને ત્યાં દાગીનાની ચોરી કરેલ.

અશોકકુમાર યાદવે આરોપીની ગુન્હો કરવાની પદ્ધતિ વર્ણવતા જણાવેલ કે કપાસની દલાલીના નામે રેકી કરી ગામમાં એકલા રહેતા વૃદ્ધોને નિશાન બનાવી અને શંકા ન જાય તે માટે લૂંટ કરેલી રકમ પૈકી નિશાન રૂપે સોનાની એક વસ્તુ પોતાની પાસે રાખી પીચાશી આનંદ મેળવતો.

આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ, મોટર સાયકલ, મોબાઈલ વિગેરે કબ્જે કરવામાં આવેલ છે. આ ગુન્હાની તપાસ અમરેલી સર્કલ ઈન્સ્પેકટર જી.આર. રબારી ચલાવી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીએ મહુવામાં સોનીબજારમાં નટવરલાલ મથુરદાસ કંપનીને લૂંટનો મુદ્દામાલ આપ્યાનો આરોપ મુકયો હોય મુદ્દામાલ બદલ વેપારીની પણ અટક કરી પૂછપરછ ચાલી રહી છે. જે સોની વેપારીઓ અટક થઈ છે તેમા મહુવાના પ્રણવ મહેતા અને મિહીર મહેતાનો સમાવેશ છે, તેમ રેન્જ વડા અશોકકુમાર યાદવ જણાવે છે.

ઉપરોકત કામગીરીમાં અમરેલી એસઓજીના પીએસઆઈ આર.કે. કરમટા, એએસઆઈ પ્રકાશભાઈ જોશી તથા હેતલબેન કોવાડિયા, હેડ કોન્સ. રાહુલભાઈ ચૌહાણ, ભાસ્કરભાઈ નાંદવા, જયસુખભાઈ આસલીયા, સંજયભાઈ પરમાર, ભગવાનભાઈ ભીલ, કિશનભાઈ હાડગરડા, જયરાજભાઈ વાળા, ગીરીરાજસિંહ જાડેજા, વરજાંગભાઈ મુળીયાસીયા, ગોકળભાઈ કળોતરા, દશરથસિંહ સરવૈયા, તુષારભાઈ પાયાણી, જેશીંગભાઈ કોયરા, દેવેન્દ્રસિંહ ગોહીલ તથા કેતનભાઈ ગરાણીયાએ સક્રિય ભૂમિકા ભજવી હતી.

(11:53 am IST)