Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વિરમગામ પંથકમાં નવરાત્રી મહાપર્વનો પ્રારંભ: પ્રથમ દિવસે માતાજીના મંદિરોમાં ભક્તો ઉમટ્યા

નીલકંઠ રો બંગ્લોઝમાં માતાજીની છબી યાત્રા અને સમૂહ આરતી :માતાજીના મંદિરોમાં ઘટ સ્થાપન, અખંડ દીપ સ્થાપન અને જવારારોપણ કરાયું

( વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ : આદ્યશક્તિ મા અંબાજી સહીતના માતાજીની આરાધનાના મહા પર્વ નવરાત્રીનો આસો સુદ એકમ તારીખ-29ને  રવિવારથી શુભારંભ થયો છે. વિરમગામમાં આવેલા અનેક માતાજીના મંદિરમાં ઘટ સ્થાપન,અખંડ દીપ સ્થાપન અને જવારારોપણ કરવામાં આવ્યા હતા.

   વિરમગામ શહેરમાં આવેલા અંબાજી મંદિર, બહુચરમાતાજી મંદિર, ખોડીયારમાતા મંદિર, મેલડીમાતા મંદિર સહિતના માતાજીના મંદિરોમાં વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને પ્રથમ નવરાત્રીએ માતાજીના દર્શન, પુજન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી. ભક્તો દ્વારા નવરાત્રી દરમ્યાન ઉપવાસ કરવામાં આવી રહ્યા છે.

   વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝમાં માતાજીની ભવ્ય છબી યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંબાજીની સ્થાપના કરીને સમૂહ આરતી ઉતારવામાં આવી હતી. વિરમગામ શહેરમાં વિવિધ યુવક મંડળો દ્વારા શેરી, મહોલ્લાઓમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રીના પ્રથમ દિવસે ખેલૈયાઓએ ભક્તિભાવ પુર્વક માતાજીની આરાધના કરી અને ગરબે રમ્યા હતા.

   વિરમગામ પંથકમાં જગતજનની આધ્યશક્તિ મા અંબાજી સહિતના માતાજીની નવ દિવસની આરાધના શરૂ કરવામાં આવી છે. જો કે વરસાદના કારણે ખેલૈયાઓને ગરબે ઘૂમવામાં થોડી તકલીફો વેઠવી પડી હતી.

 
(11:25 am IST)