Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

બેચરાજીના ઇન્દ્રપ ગામે વ્યાજખોરોના ત્રાસથી યુવકનો ગળેફાંસો ખાઈને આપઘાત: વૃદ્ધ માતાએ એક્નોએક પુત્ર ગુમાવ્યો:

મૃતકે ચિઠ્ઠીમાં વ્યાજખોરોનો માનસિક ત્રાસ હોવાથી મોત પસંદ કર્યાનો ઉલ્લેખ કર્યો

બેચરાજી તાલુકાના ઇન્દ્રપ ગામે વ્યાજખોરોના ત્રાસથી યુવકે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લીધો છે મૃતકે ચીઠ્ઠીમાં વ્યાજખોરોના નામજોગ ઉલ્લેખ કરી આત્મહત્યા કરી છે. વૃદ્ધ માતાએ એકનો એક પુત્ર જ્યારે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે. ઘટનાને પગલે બેચરાજી પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

   મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ઈન્દ્રપ ગામે રજનીપુરી સોમપુરી ગૌસ્વામીનો પરિવાર છે. અચાનક  બપોરે રજનીપુરીએ (ઉ.40) પોતાના ઘેર ગળે ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં વૃધ્ધ માતા સહિતના પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે.

   મૃતક યુવકે એક ચિઠ્ઠી લખી આપઘાત કર્યો હતો. ચિઠ્ઠીમાં વ્યાજખોરોનો અતિશય માનસિક ત્રાસ હોવાથી મોત પસંદ કર્યાનો ઉલ્લેખ કર્યો છે. ગામના ગૌસ્વામી યુવકે આત્મહત્યા કર્યાની વાત ખબર પડતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘટનાને લઈ બેચરાજી પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવા અને ચિઠ્ઠી આધારે આરોપીઓ શોધવા મથામણ શરૂ કરી છે. મૃતક યુવક એકનો એક ભાઈ હોવાથી બહેનો શોકમગ્ન બની છે. આ સાથે તેની માતાને કેટલાક વર્ષો અગાઉ પતિ અને હવે એકનો એક પુત્ર ગુમાવતા ગંભીર અને વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. દુર્ઘટનાને પગલે પરિવારજનો અને ગામમાં સન્નાટો છવાઈ ગયો છે.

(10:13 pm IST)