Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ચૂંટણી પહેલા રાજકીય શીર્ષાસન : પાટણ જિલ્લા પંચાયતના સસ્પેન્ડ કરેલ સભ્ય શંકર કટારીયાને ભાજપે ફરીથી આવકાર્યા

કટારીયાએ પાટણ ભાજપ કાર્યાલએ શક્તિ પ્રદર્શન કર્યું હતું : જિલ્લા ભાજપે આજે અગાઉની ભુલ સુધારી

પાટણ જિલ્લા પંચાયતના સભ્ય શંકર કટારીયાને ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા જેને હવે ભાજપે આવકાર્યા છે અને પાર્ટીમાં ફરીથી સામેલ કર્યા છે શંકર કટારીયાને પાર્ટીએ સસ્પેન્ડ કરતા સમાજના અગ્રણીઓ સાથે પાટણ ભાજપ કાર્યાલય પહોંચી શક્તિ પ્રદર્શન બતાવ્યું હતું અને પ્રદેશ ભાજપ સમક્ષ જિલ્લાના આંતરિક રાજકારણનો ચિતાર રજૂ કર્યો હતો. હવે રાધનપુર વિધાનસભા પેટા ચૂંટણી પહેલા ભાજપે ફરીથી પાર્ટીમાં આવકાર્યા છે. જેમાં શંકર કટારીયાનો દબદબો હોય કે પછી રાજકીય ગણતરીઓ હોવાનું સામે આવ્યું છે

   પાટણ જિલ્લા ભાજપે અગાઉની ભુલ સુધારી રાધનપુર વિધાનસભાનો દાવ ખેલ્યો છે. પાર્ટી સામે અગાઉ મજબૂત રીતે પોતાનો પક્ષ મૂકતા શંકર કટારીયાને સસ્પેન્ડ કરાયા હતા જેથી શંકર કટારીયાએ  કાફલા સાથે પાટણ ભાજપ સમક્ષ શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ પછી સમગ્ર મામલો પ્રદેશ ભાજપ સુધી પહોંચ્યો હતો. હવે જ્યારે આવતીકાલે રાધનપુર વિધાનસભા બેઠક ઉપર અલ્પેશ ઠાકોર ફોર્મ ભરે તે પહેલાં નિર્ણય લીધો છે.

   પ્રદેશ ભાજપનો આદેશ હોવાનું કારણ ધરી પાટણ જિલ્લા ભાજપે શંકર કટારીયાને પાછા લીધા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર વિધાનસભા વિસ્તારમાં નાડોદા સમાજના મતદારો વધુ છે. શંકર કટારીયાને સમાજનો મજબૂત ટેકો છે તેવું ભાજપને ખબર પડતાં પાછા આવકાર્યા હોઇ શકે છે. આ સાથે જે તે વખતે કટારીયાએ કરેલ શક્તિ પ્રદર્શન સફળ ગયું હોય તેમ ચૂંટણી ટાણે આ નિર્ણય અનેક રાજકીય દાવપેચ સર્જી શકે છે.

(10:05 pm IST)