Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઊંઝાના કહોડા ગામે ખાટલામાં ઊંઘતા યુવકની ધારદાર શસ્ત્રોથી હત્યા : એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત : આરોપીની શોધખોળ

આરોપીઓ વહેલી સવારે ઘરમાં ઘૂસી ઓસરીમાં આરામ કરતા યુવક પર હથિયારો વડે તૂટી પડ્યા

ઊંઝા તાલુકાના કહોડ ગામમાં ઘરમાં ઘૂસી યુવકની ધારદાર શસ્ત્રોથી હત્યા કરતાં ચકચાર મચી  છે. ઘરની ઓસરીમાં ખાટલામાં ઊંઘી રહેલા યુવકની હત્યા કરીને આરોપીઓ ભાગી ગયા હતા ઓટો કન્સલ્ટિંગનો વ્યવસાય કરતો મૃતક યુવક તેના માતા પિતાનો એકનો એક પુત્ર હતો આ ઘટનાને પગલે ઊંઝા પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓ શોધવા કવાયત શરૂ કરી છે 

  આ અંગે મળતી વિગત મુજબ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કહોડા ગામે વહેલી સવારે પોતાના ઘેર આરામ કરતા દિલીપસિંહ વિનુજી વજાજી રાજપૂતની ખાટલામાં જ હત્યા કરવામાં આવી છે. આરોપીઓ વહેલી સવારે ઘરમાં ઘૂસી ઓસરીમાં આરામ કરતા યુવક ઉપર ચડી જઇ હથિયારો વડે તૂટી પડ્યા હતા. ગણતરીની મિનિટોમાં ગળા અને માથાના ભાગે હુમલો કરી લોહીલુહાણ હાલતમાં મૂકી ફરાર થઈ ગયા હતા.

   સૂત્રોએ જણાવ્યું હતું કે, 32 વર્ષનો મૃતક યુવક વાહનો લે વેચનો વ્યવસાય કરતો હતો. એકનો એક પુત્ર હોવાથી તેના પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું છે. ઘટનાને પગલે ગામલોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ઘર પરિસરમાં જ્યાં જુઓ લોહી ફેલાયેલું હોઇ હત્યારાઓ ખતરનાક હોવાનું મનાય છે.

   સમગ્ર બાબતે ઊંઝા પોલીસ સ્ટેશનના પીઆઈ ખરાડીએ જણાવ્યું હતું કે, હત્યા કરવાના કારણો સામે આવ્યા નથી. અમે તમામ બાબતો ઉપર હાલ પૂરતી ચકાસણી કરી રહ્યા છીએ. હત્યારાઓ ગામના કે બહારગામના એ પણ તપાસ હેઠળ છે.

(10:00 pm IST)