Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

એમડી ડ્રગ્સ સાથે પકડાયેલો સહેજાદ મોટો ડ્રગ્સ સપ્લાયર

ક્રાઇમબ્રાંચની તપાસમાં ચોંકાવનારો ખુલાસો : નાના સપ્લાયરોને ૧૦ અને ૨૦ ગ્રામ ડ્રગ્સ આપતો હતો

અમદાવાદ, તા.૨૯ :   કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ડ્રગ માફિયા સહેજાદ રાજ્યનો મોટો ડ્રગ્સ સપ્લાયર હોવાની ચોંકાવનારી હકીકત ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં બહાર આવી છે. ગઇકાલે શહેર ક્રાઇમબ્રાંચે રૂ.૧.૪૮ કરોડના એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપી પિતા-પુત્ર સહિતના આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીની પૂછપરછમાં, પુત્ર સહેજાદ ડ્રગ્સનો મોટો સપ્લાયર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપી સહેજાદ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના નાના અને મોટા શહેરોમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાના સપ્લાયરોને ૧૦, ૨૦ ગ્રામ ડ્રગ્સ આપતો હતો. આ કન્સાઈનમેન્ટ બાદ છ કિલો જેટલું ડ્રગ્સ પણ મુંબઇથી અમદાવાદ મંગાવવાનો હતો. જેના માટે ૫૦ લાખની રકમ આંગડિયા પેઢી મારફતે મોકલી હોવાનું પણ જાણવા મળ્યું છે. તેથી ક્રાઇમબ્રાંચે  તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

   ખૂબ જ ચકચારભર્યા આ ડ્રગ્સ કન્સાઇનમેન્ટના પ્રકરણમાં ક્રાઇમબ્રાંચે સઘન અને ઝીણવટભરી તપાસ જારી રાખી છે, જેમાં આગામી દિવસોમાં વધુ ચોંકાવનારી હકીકતો સામે આવે તેવી શકયતા છે અને હજુ વધુ ધરપકડો થવાની પણ સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, મુંબઈથી અમદાવાદ આવતી ટ્રાવેલ્સમાં એમડી ડ્રગ્સ આવવાનું છે. જેને લેવા બે શખ્સ એસજી હાઈવે પર આવેલી ટ્રાવેલ્સની ઓફિસ પર આવશે. ક્રાઈમ બ્રાન્ચે ત્યાં વોચ ગોઠવી હતી. બસ આવી જતા બે શખ્સ ટ્રાવેલ્સની ઓફિસે ડ્રગ્સનું પેકેટ લેવા પહોંચ્યા હતા. જ્યાં કંડક્ટર પાસેથી ડ્રગ્સનું પેકેટ લેતાં બંને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા હતા. પેકેટ ખોલીને જોતા તેમાં ૧.૪૬૯ કિલોના ડ્રગ્સનો જથ્થો હતો. ક્રાઈમ બ્રાન્ચે મઝહર હુસેન તેજાબવાલા અને ઈમ્તિયાઝ હુસેન એમ બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સની કિંમત ૧.૪૮ કરોડ રુપિયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ બાદ મઝહરના પુત્ર સહજાદની પણ ધરપકડ કરાઇ હતી. કે જેણે ગોવા અને મુંબઈથી આ ડ્રગ્સ મંગાવ્યુ હતું. ક્રાઇમબ્રાંચે આરોપીના ઘરમાં લીધેલી જડતી દરમ્યાન ઘરમાંથી એક પિસ્ટલ અને ત્રણ કારતુસ મળી આવ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચે કુલ સાત લોકો સામે ગુનો નોંધી ડ્રગ્સની હેરાફેરી કરવા બદલ તેમજ ગેરકાયદે હથિયાર રાખવાના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ગોવાથી વાયા મુંબઈથી અમદાવાદ લાવવામાં આવેલું આ દોઢ કરોડનું ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું ગોવાથી જે વ્યક્તિએ ડ્રગ્સનો જથ્થો મોકલ્યો છે તે વ્યક્તિ કોણ છે અને કેટલા સમયથી આ પ્રકારે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે અને આ ડ્રગ્સની હેરાફેરીમાં કોણ કોણ સંકળાયેલું છે ? તે મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ પૂછપરછ હાથ ધરી છે.

(8:17 am IST)