Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

પહેલા નોરતે માં શૈલપુત્રીની પૂજા-અર્ચના અને અનુષ્ઠાન

માં આદ્યશકિતના પવિત્ર પર્વ નવરાત્રિનો પ્રારંભ :માંઇ મંદિરોમાં માતાજીના ઘટસ્થાપન અને વિશેષ પૂજા-આરતી : અંબાજી સહિત ધામોમાં માંઇભકતોનું ઘોડાપૂર

અમદાવાદ, તા.૨૯ : આજથી મા જગંદબા, મા આદ્યશકિતની પૂજા અને આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રિનો ભારે ભકિતભાવ અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે પ્રારંભ થયો છે. શહેરના સુપ્રસિધ્ધ ભદ્રકાળી મંદિર, માધપુરાના અંબાજી મંદિર, ભુલાભાઇ પાર્ક બહુચરાજી મંદિર, ધનાસુથારની પોળવાળા અંબાજી મંદિર, સોલા રોડ ચાંદની એપાર્ટમેન્ટ પાસેના અંબાજી મંદિર, ભુયંગદેવ ચાર રસ્તા પરના વર્ષો જૂના અંબાજી મંદિર અને મહાકાળી મંદિર સહિતના અનેક મંદિરોમાં માતાજીનો વિશેષ સાજ-શણગાર અને પૂજા-આરતી સહિતના ભકિત કાર્યક્રમો યોજાયા હતા. તો, સુપ્રસિધ્ધ અંબાજી મંદિર, ચોટીલાવાળા ચામુંડા માં, પાવાગઢના મહાકાળી અને કચ્છના આશાપુરા માતાના મઢ ખાતે તો, પહેલા નોરતે લાખો માંઇભકતોનું ઘોડાપૂર ઉમટયુ હતુ.

          ભદ્રકાળી મંદિર સહિતના માતાજીના મંદિરોમાં આજે સવારે શુભમૂર્હુતમાં ઘટસ્થાપન સહિતની પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી અને પછી માતાજીની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી. આજના પહેલા નોરતે માં આદ્યશકિતના શૈલપુત્રી સ્વરૂપની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. નવરાત્રિને લઇ સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી સહિતના મંદિરોમાં વિસેષ અને આકર્ષક સાજ-શણગાર કરવામાં આવ્યો છે. તો, નવરાત્રિ દરમ્યાન દર્શનાર્થે આવી રહેલા લાખો શ્રધ્ધાળુ ભકતો માટે દર્શન અને પ્રસાદની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મંદિરોની સાથે સાથે કેટલાક માતાજીના ઉપાસક અને માંઇભકત શ્રધ્ધાળુઓએ પોતાના ઘરોમાં પણ ઘટસ્થાપન અને અનુષ્ઠાનનું આયોજન કર્યું છે. જેને લઇ માતાજીની નવરાત્રિનો ભકિતનો માહોલ જોરદાર રીતે જાણે કે છવાયો છે. નવરાત્રિ એટલે માં જગદંબાની આરાધનાનું મંગલમય પર્વ. શક્તિપૂજા એ આપણી સંસ્કૃતિની આગવી અને ઉજ્જ્વળ પરંપરા છે.

              નવરાત્રિના નવલા પર્વમાં શક્તિ સ્વરૂપ માં જગદંબા પ્રત્યે શ્રદ્ધા ભક્તિ ધરાવનાર ભાવિક નર-નારીઓ શક્તિની આરાધના-ઉપાસના કરે છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં, આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચારનવરાત્રિનો મહિમા ગવાયો છે. એમાં શક્તિ ઉપાસના માટે આસો-નવરાત્રિનું મહત્ત્વ અધિક ફળદાયી મનાયું છે.    શારદીય નવરાત્રિના આજના પહેલા દિવસે માતા શૈલપુત્રીની વિશેષ પૂજા  આરાધના કરવામાં આવી હતી. માર્કેન્ડેય પુરાણ મુજબ, દેવીનું આ નામ હિમાલયને ત્યાં જન્મ લેવાથી પડ્યું. હિમાલય આપણી શક્તિ, દૃઢતા, આધાર તથા સ્થિરતાનો પ્રતીક છે. માતા શૈલપુત્રીને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે યોગી પોતાની શક્તિ મૂળાધારમાં સ્થિત કરે છે તથા યોગ સાધના કરે છે. માં શૈલપુત્રીની પૂજા કરવાથી જીવનમાં સ્થિરતા આવતી હોવાથી તે ખૂબ મંગળકારી અને કલ્યાણકારી બની રહેતું હોઇ આજના પ્રથમ નોરતે માતાજીના આ સ્વરૂપની ભકિતભાવ અને ભારે ધાર્મિક આસ્થા સાથે પૂજા કરવામાં આવી હતી. અમદાવાદ શહેર સહિત રાજયભરના માતાજીના વિવિધ મંદિરો ઓમ ઐં હ્રીં કલીં ચામુંડાયે વિચ્યૈ નમ : સહિતના મંત્રોચ્ચાર, ચંડીપાઠ સહિતના સ્ત્રોત, હવન અને ભકિતનાદથી ગુંજી ઉઠયા હતા.

(9:08 pm IST)