Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીના પરિવારમાં ભારે વિખવાદ : તેમની પુત્રી અલ્કા પટેલે વકીલ મારફતે સમાચારપત્રમાં જાહેર નોટીસ આપી : સંપત્તિનો વિવાદ

પિતા સ્વ. માધવસિંહ સોલંકીના ગાંધીનગર સ્થિત મકાનમાં વારસાઇ હિસ્સાનો વિવાદ : મકાનના ભોગવટેદારમાં કોંગ્રેસના મોટા ગજાના નેતા ભરતસિહ સોલંકી સહિતના હિસ્સાદાર

ગાંધીનગર : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 9 જાન્યુઆરી 2021ના રોજ અવસાન થયું હતું. જે બાદ માધવસિંહ સોલંકીના કુટુંબમાં ગાંધીનગર સ્થિત મકાનને લઈને ભારે વિવાદ સર્જાયો છે. દીકરી અલ્કા પટેલે વકીલ મારફતે સમાચાર પત્રમાં જાહેર નોટિસ આપી ચેતવણી આપી છે કે ગાંધીનગર સ્થિત મકાનમાં વારસાઇમાં પોતનો પણ ભાગ છે, જો કોઇ પણ મકાનનો જાણ બહાર કરાર કે વ્યવહાર કરશે તો તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી છે. કોંગ્રેસના મોટા ગજાના નેતા ભરતસિહ અને તેમની બહેન વચ્ચે વારસાઈને લઈને ખેચતાણના અંદેશા મળી રહ્યા છે તેમ VTV ના એક અહેવાલમાં જણાવાયું છે.

પૂર્વ CM માધવસિંહ સોલંકીના ગાંધીનગર સ્થિત મકાનમાં વારસાઇ હિસ્સાને લઇ તેમની દીકરી દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે. અને દાવો કરવામાં આવ્યો છે કે પોતાનો હક ડુબાવવાનો પ્રયત્ન કરતા બાકીના ભોગવેટેદારોએ  મકાન વેચવાનો પ્રયાસ કર્યો છે. જે કાયદેસર નથી મહત્વનું છે કે માધવસિંહના ગાંધીનગર સ્થિત મકાનમાં ભોગવટેદારમાં ભરતસિંહ સોલંકી સહિત અશોક સોલંકી, અતુલ સોલંકી, વસુધા સોલંકી, અલ્કા પટેલ પણ મકાનનો ભોગવટો ધરાવે છે ત્યારે માધવસિહની દીકરી દ્વારા આરોપ કરાયો છે કે મકાનનો સોદો બારોબાર તેમની જાણ બહાર કરી નાખવામાં આવ્યો હતો. 

અલકા પટેલે એડવોકેટ અવનીધર એમ. ઠાકોર મારફતે દૈનિક પત્રમાં જાહેર ચેતવણી આપી છે અને કહ્યું છે કે મકાનનો પોતાની જાણ બહાર લખાણ, કરાર કે વ્હાવહાર ન આવે જો કોઇ કરાર કરેલ હશે તો અલકા બહેન બંધનકર્તા રહેશે નહી, તેમજ જાણ બહાર કરાર કે વ્યવહાર કરનાર સામે કાર્યવાહીની પણ ચેતવણી આપી છે ત્યારે માધાવસિહના પરિવારજનોમાં અંદરો અંદર વરસાઈને લઈને ડખો થતાં સંપત્તિનો વિવાદ ચગ્યો છે. અને બંને પક્ષો દ્વારા હાલ વકીલનો આસરો લઈ પોત પોતાની રીતે મકાનનો ભોગવટો લેવા તેમજ હિસ્સો દબાવાવા પ્રયાસ થઈ રહ્યા છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પર કરેલા આરોપમાં તથ્ય છે કે નહીં તે હવે કાયદાકીય લડાઈ બાદ જ ખબર પડશે પરંતુ હાલ વારસાઈનો જંગ વધુ વકરે તેવું દેખાઈ રહ્યું છે.

(10:27 pm IST)