Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

જુગારે જીવ લીધો : છોટાઉદેપુરના ક્વાંટમાં શ્રાવણિયા જુગાર રમી રહેલા લોકોને પકડવા માટે પોલીસે રેડ પાડતા, બચવા ભાગેલા એક યુવકને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું

પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનીના પાડી : ભારે સમજાવટ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો

છોટાઉદેપુર : ક્વાંટમાં શ્રાવણિયા જુગાર રમી રહેલા લોકોને પકડવા માટે પોલીસે રેડ કરી હતી. તે દરમિયાન પોલીસથી બચવા ભાગેલા એક યુવકને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. આ બનાવની મળતી માહિતી પ્રમાણે, છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં પોલીસે જુગાર ચાલી રહેલા લોકોને ઝડપી પાડવા માટે દરોડો પાડ્યો હતો. ત્યારે પોલીસને જોઈ યુવકો ભાગ્યા હતા. દરમિયાન આ દરોડામાં 18 વર્ષનો વિશાલ રાઠવા પણ ભાગ્યો હતો. વિશાલ અંધારામાં ભાગ્યો અને તે અચાનક વીજતાર સાથે અથડાઈ ગયો હતો. આ યુવકને કરન્ટ લાગતા તેનું મોત નીપજ્યું હતું.

જો કે, પરિવારજનોએ તેમના સભ્યનું મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. પોલીસ વિશાલ રાઠવાના મૃતદેહને ક્વાંટ પોલીસ મથકમાં લઈ આવી હતી અને મોડી રાત સુધી મૃતદેહ પોલીસ સ્ટેશનમાં પડી રહ્યો હતો. આખરે ભારે સમજાવટ બાદ આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

(7:57 pm IST)