Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

છેલ્લા 28-30 વર્ષથી ભાજપ માટે દિવસ-રાત એક કરનારા શરદ લાખાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાવાની જાહેરાત સોશિયલ મીડિયા મારફત કરતા તેના પડઘા કમલમ-ગાંધીનગર સુધી પડ્યા

મંગળવારે બપોરે બે વાગ્યે અમરેલી સર્કીટ હાઉસમાં શરદ લાખાણી આમ આદમી પાર્ટીમાં જોડાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા-2022ની ચુંટણી પૂર્વે લગભગ તમામ પાર્ટીઓએ પોતાના સમીકરણો ગોઠવવા શરુ કરી દીધા છે. ત્યારે કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાના અમરેલીમાં ભાજપમાં ભડકો થયો છે.  છેલ્લા 28-30 વર્ષથી ભાજપ માટે દિવસ-રાત એક કરનારા શરદ લાખાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાવાની જાહેરાત સોશિયલ મીડિયા મારફત કરતા,તેના પડઘા કમલમ-ગાંધીનગર સુધી પડ્યા છે. મંગળવારે બપોરે બે વાગ્યે અમરેલી સર્કીટ હાઉસમાં શરદ લાખાણી આમ આદમી પાર્ટીમાં જોડાશે. આ તકે, આમ આદમી પાર્ટીના આગેવાન અને ઉદ્યોગપતિ મહેશ સવાણી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે,શરદ લાખાણી થોડા સમયથી ભાજપ પ્રત્યેની નારાજગી સોશિયલ મીડીયાના માધ્યમથી વ્યક્ત કરી રહ્યા હતા. એટલું જ નહિ અલગ-અલગ મોરચે સરકારની વિફળતાને પણ ઉજાગર કરી રહ્યા હતા. અમરેલી જીલ્લા પંચાયત અને પાર્ટીમાં અમરેલી પ્રમુખ રહી ચુકેલા શરદ લાખાણીએ પંથકમાં પક્ષનું પ્રભુત્વ જમાવવા ભારે જહેમત ઉઠાવી હતી.વિધાનસભા ચુંટણીને એક વર્ષની વાર છે ત્યારે,અમરેલીમાંથી પાર્ટી માટે ઉઠેલો નારાજગીનો સૂર અમરેલી પુરતો જ રહે છે કે તેની દૂરોગામી અસર પણ જોવા મળશે? તેવો ગણગણાટ સામાન્ય કાર્યકર્તાઓમાં  ચાલી રહ્યો છે.

તાજેતરમાં જ કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા જનઆશિર્વાદ યાત્રા માટે આવ્યા હતા.હવે અમરેલી ભાજપના પૂર્વ પ્રમુખ શરદ લાખાણીનું આ પગલું,રાજ્યમાં ભાજપ માટે કેવી અસર છોડશે તેના પર મિટ મંડાયેલી છે.

(6:01 pm IST)