Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ગાંધીનગરમાં સે-12માં લિસ્ટેડ બુટલેગરના બે સાગરીતોને પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા

ગાંધીનગર:જિલ્લામાં દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીએ સે-૧રમાં લીસ્ટેડ બુટલેગરના બે સાગરીતોને વિદેશી દારૃના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને દારૃની ૧૦ર બોટલ સહીત ૧.૩૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. લીસ્ટેડ બુટલેગર સામે અગાઉ તડીપાર અને પાસાની જોગવાઈ કરવામાં આવી છે જેથી પોલીસ ટીમોને દોડતી કરાઈ છે.  

ગાંધીનગર જિલ્લામાં હાલ પોલીસ દારૃ જુગારની પ્રવૃતિ ડામવા દોડી રહી છે ત્યારે એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ પણ સ્ટાફના માણસોને કેસ કરવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કોલવડા ચામુંડાપુરા ખાતે રહેતો નરેશજી રઈજી રાવળ સે-૧ર આંબેડકરભવનની પાછળના ભાગે સાગરીતો સાથે દારૃ સંતાડી તેનું વેચાણ કરે છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં આ સ્થળેથી મોપેડ ઉપર વિદેશી દારૃની પેટી સાથે હીરારામ તેજાજી મેઘવાલ અને મહેન્દ્ર ડુંગરાજી મેઘવાલ રહે.ધોળાકુવા મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી વિદેશી દારૃનો જથ્થો જપ્ત કર્યો હતો અને ત્યારબાદ કેબિનમાં સંતાડાયેલો જથ્થો મળી કુલ ૧૦ર વિદેશી દારૃની બોટલ કબ્જે કરાઈ હતી. ઝડપાયેલા શખ્સોએ કહયું હતું કે આ મોપેડ નરેશ રાવળનું હોવાનું અને આ દારૃનો જથ્થો કોલવડાના જયદીપસિંહ ઉર્ફે કાલીબાપુને આપવા જતાં હોવાનું પણ કબુલ્યું હતું. પોલીસે ૧.૩૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને લીસ્ટેડ બુટલેગર નરેશ રાવળ સહિત ચારેય વ્યક્તિઓ સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કર્યો હતો. લીસ્ટેડ બુટલેગર સામે અગાઉ તડીપાર અને પાસાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે. 

(4:49 pm IST)