Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં કેનાલમાં વહેલી સવાર ગાબડું પડતા ખેડૂતોને મોટું નુકશાન

સાતલપુર:તાલુકાના કોલીવાડા ગામની સીમમાંથી પસાર થતી માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં સવારે પાંચ વાગે ૧૦ ફૂટનું ગાબડું પડતાં કેનાલનું પાણી બાજુમાં આવેલ નટુભાઈ મહારાજના ખેતરમાં ફરી વળ્યા હતા. ૧૫ વીઘાના ખેતરમાં વાવેતર કરેલા અડદના પાકમાં કેનાલનું પાણી ઘુસી જતા ખેડૂતને મોટું નુકસાન થવા પામ્યું હતું. અહી ખેતી કરતા ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોલીવાડા ગામની સીમમાંથી પસાર થતી માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં છેલ્લા કેટલાય વર્ષથી પાણી છોડવામાં આવે ત્યારે ગાબડા પડવાથી ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે. પેટા કોન્ટ્રાક્ટરોને કેનાલ રીપેરીંગ કરવા બાબતે વારંવાર જાણ કરવામાં આવી હતી છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ જ ધ્યાન આપવામાં આવ્યું નથી જેને લઈને આજે કેનાલમાં ગાબડુ પડતા ખેતીના પાકને નુકસાન થવા પામ્યું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. કેનાલ નજીક ખેતી કરતા ખેડૂતો જણાવ્યું હતું કે બે-ત્રણ દિવસ પહેલા કોન્ટ્રાક્ટરના માણસોએ આવી માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી નીકળતી નાની-નાની કેનાલો બંધ કરી હતી.જેને લઇને આગળ પાણી જતું બંધ થતા આજે માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં મોટું ગાબડું પડયું છે અને કેનાલનું હજારો લિટર પાણી વેડફાઈ ગયું છે.

(4:48 pm IST)