Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

બાયલ-ઢાંખરોલ નજીકથી ઇકો કારના ગુપ્તખાનામાં સંતાડેલ વિદેશી દારૂ સાથે રાજસ્થાની બુટલેગરને દબોચી લેતી LCB

તહેવારોમાં દારૂની રેલમછેલ કરવાના બુટલેગરોના મનસૂબા પર અરવલ્લી LCBએ પાણી ફેરવ્યું

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ જન્માષ્ટમીના તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન પેટ્રોલીંગ સાથે આંતરરાજ્ય સરહદો અને દેવસ્થાનો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. અરવલ્લી એલસીબી પોલીસે બાતમીના આધારે બાયલ-ઢાંખરોલ નજીકથી ઇકો કારના ગુપ્તખાનામાં સંતાડેલ ૪૪ હજારથી વધુનો વિદેશી દારૂ સાથે રાજસ્થાની એક બુટલેગરને દબોચી લીધો હતો. પોલીસ નાકાબંધી જોઈ એક શખ્સ ફરાર થઇ જતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. 

અરવલ્લી એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે પ્રોહીબીશન ડ્રાઇવ અંતર્ગત મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું. ત્યારે રાજસ્થાનમાંથી બે બુટલેગર ઇકો કારમાં વિદેશી દારૂ ભરી બાયલ-ઢાંખરોલ રોડ પરથી અમદાવાદ તરફ જવાના હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે ઈટાડી-બાયલ ઢાંખરોલ રોડ પર નાકાબંધી કરી વોચ ગોઠવી દીધી હતી. દારૂ ભરી આવી રહેલી ઇકો કાર ચાલક નાકાબંધી જોઈ રોડ પર ઇકો મૂકી દોટ લગાવી હતી. એલસીબી પોલીસે બુટલેગરો પાછળ દોડી રાજસ્થાન ડુંગરપુરના આજમેરા ગામના પ્રમોદ દેવચંદ કલાલ નામના બુટલેગરને  દબોચી લીધો હતો અન્ય એક બુટલગર પોલીસને થાપ આપવામાં સફળ રહ્યો હતો. 

એલસીબી પોલીસે ઇકો કારમાં વિદેશી દારૂની તલાસી લેતા કારની પાછળ આવેલ બમ્પરમાં બનાવેલ ગુપ્તખાના માંથી વિદેશી દારૂની બોટલ ૨૨૮ કીં.રૂ.૪૪૨૫૦/- જપ્ત કરી કાર, રોકડ રકમ, દારૂ મળી રૂ.૩.૪૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાન ડુંગરપુરના ખાખરા ગામના સન્ની મીણા નામના બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

(2:43 pm IST)