Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

આજે અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ગર્ભવતી મહિલાઓ માટે 'પૌષ્ટિક લાડુ વિતરણ યોજના'નો પ્રારંભ કરાવ્યો

ગૃહમંત્રી અમિત શાહે ભાવનાથ મહાદેવના દર્શન કર્યા ઃ નિધરાડથી સાણંદ સુધી યોજ્યો રોડ-શો

અમદાવાદઃ ગૃહમંત્રી અમિત શાહ જન્માષ્ટમીના પર્વ પર ગુજરાતના પ્રવાસે છે. આજે અમિત શાહે સગર્ભા મહિલાઓને પૌષ્ટિક લાડુ વિતરણ કર્યા હતા. મહિલાઓના પોષણને ધ્યાનમાં રાખી પોષણ યુક્ત મગજના લાડુનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સાથે અમિત શાહે લાડુ વિતરણ રથને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ અમદાવાદ જિલ્લાની 4 હજાર અને ગાંધીનગર જિલ્લાની 3 હજાર સગર્ભા મહિલાઓના ઘરે જઈ લાડુનું વિતરણ કરશે. આ પ્રસંગે અમિત શાહે સંબોધન પણ કર્યુ હતું. 

ગૃહ મંત્રી અમિત શાહે લોકોને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે શાહે પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતના પેરા એથ્લીટોને શુભેચ્છા પાઠવી હતી. ભાવિના પટેલના સિલ્વર મેડલ જીતવા પર અભિનંદન આપતા અમિત શાહે કહ્યુ કે, ભાવિના પટેલે મેડલ જીતીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યુ છે. અમિત શાહે કહ્યુ કે, ગાંધીનગર મતક્ષેત્રમાં 7 હજાર માતાઓને સ્વયંસેવી સંસ્થાઓના માધ્યમથી દર મહિને 15 લાડુ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમનો તમામ ખર્ચ સામાજિક સંસ્થાઓ ભોગવશે. 

અમિત શાહે કહ્યુ કે, જો સગર્ભા સ્ત્રી સ્વસ્થ ન હોય તો સ્વસ્થ બાળકનો જન્મ થતો નથી. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ કુપોષણ સામે જે અભિયાન શરૂ કર્યું હતું તે આજે આંદોલન બની ગયું છે. તેમણે સગર્ભા મહિલાઓને અપીલ કરી હતી કે આ લાડુ તમારા માટે છે અને તમારે ખાવા જોઈએ. શાહે કહ્યુ કે, યોગ્ય વ્યક્તિ સરકારી યોજનાના લાભથી વંચિત ન થઈ જાય તે જોવાની જવાબદારી આપણી છે. 

(1:59 pm IST)