Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

RTE એક્ટ હેઠળ ધો.1માં પ્રવેશના બીજા રાઉન્ડ બાદ 12થી 15 હજાર જેટલી બેઠકો ખાલી રહેવાની શકયતા!

10 સપ્ટેમ્બર આસપાસ ત્રીજા રાઉન્ડની કાર્યવાહી થવાની સંભાવના

અમદાવાદ :રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે હાલમાં બીજા રાઉન્ડની કાર્યવાહી ચાલી રહી છે. બીજા રાઉન્ડના અંતે પણ 12થી 15 હજાર જેટલી બેઠકો ખાલી રહે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જેથી સમિતિ દ્વારા ત્રીજા રાઉન્ડની કાર્યવાહી યોજવામાં આવે તેવી શક્યતાઓ સુત્રોએ વ્યક્ત કરી છે. જોકે, આ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બીજા રાઉન્ડની કાર્યવાહી પુર્ણ થયા બાદ તે અંગે નિર્ણય લેવાઈ શકે છે. 10 સપ્ટેમ્બર આસપાસ ત્રીજા રાઉન્ડની કાર્યવાહી થવાની સંભાવના છે.

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત રાજ્યની ખાનગી શાળાઓમાં 25 ટકા પ્રમાણે ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં આવતા હોય છે. આ વખતે પણ રાજ્યની 73 હજાર કરતા વધુ બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રવેશ મેળવવા માટે સમગ્ર રાજ્યમાંથી 1.81 લાખ જેટલી અરજીઓ સમિતિને મળી હતી. આ અરજીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 15 હજાર જેટલી અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી અને 16 હજાર જેટલી અરજીઓ કેન્સલ થઈ હતી. પ્રવેશ કાર્યવાહીમાં ચકાસણીના અંતે 1.49 લાખ જેટલી માન્ય અરજીઓ સમિતી પાસે હતી. દરમિયાન સમિતિ દ્વારા પ્રથમ રાઉન્ડની પ્રવેશની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં 62985 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.

પ્રથમ રાઉન્ડની કાર્યવાહીમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાની મુદ્ત પુર્ણ થયા બાદ 57134 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હતા. આમ, આ રાઉન્ડ બાદ રાઈટ ટુ એજ્યુકેશનની 18294 બેઠકો ખાલી પડી હતી. ત્યારબાદ સમિતિ દ્વારા બીજા રાઉન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજા રાઉન્ડમાં માત્ર 6 હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. આમ, બીજો રાઉન્ડ જાહેર થયો તે સાથે જ 12 હજાર જેટલી બેઠકો ખાલી પડી હતી.

હાલમાં ખાલી પડેલી 12 હજાર બેઠકો ઉપરાંત જે વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે તેમની પણ બેઠકો ખાલી ગણવામાં આવશે. 6 સપ્ટેમ્બર સુધી વાલીઓને પ્રવેશ કન્ફર્મ કરાવી લેવા માટે સુચના આપવામાં આવી છે. આ મુદ્દત પુર્ણ થયા બાદ લગભગ 12થી 15 હજાર જેટલી બેઠકો ખાલી પડે તેવો અંદાજ છે. જેથી આ ખાલી પડેલી બેઠકો માટે સમિતિ દ્વારા ત્રીજા રાઉન્ડની કાર્યવાહી યોજવામાં આવી શકે છે. જોકે, આ મુદ્દે હાલમાં સમિતિ દ્વારા કોઈ જાહેરાત કરાઈ નથી. પરંતુ બીજા રાઉન્ડની કાર્યવાહી પુર્ણ થયા બાદ તે અંગે જાહેરાત થઈ શકે છે.

(11:17 pm IST)